નવી દિલ્હી, 26 મે 2026: NEET-UG re-exam આગામી 21 જૂન 2026 ના રોજ યોજાવા જઈ રહેલી નીટ-યુજી પુનઃપરીક્ષાને લઈને કેન્દ્ર સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને દેશભરના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ, કેન્દ્રશાસિત પ્રદેશોના ઉપરાજ્યપાલો અને પ્રશાસકોને એક ખાસ પત્ર લખ્યો છે. આ પત્ર દ્વારા તેમણે પરીક્ષાનું સુચારુ, પારદર્શક, નિષ્પક્ષ અને સફળ આયોજન કરવા માટે તમામ રાજ્યોનો સક્રિય સહયોગ માંગ્યો છે.
ભીષણ ગરમીને જોતા વિદ્યાર્થીઓની સુરક્ષા પર વિશેષ ભાર
હાલમાં દેશના મોટાભાગના વિસ્તારો કાળઝાળ ગરમી અને ભીષણ લૂનો સામનો કરી રહ્યા છે. આ કપરી સ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય મંત્રીએ પત્રમાં ખાસ કરીને વિદ્યાર્થીઓની સુવિધા અને સ્વાસ્થ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા પર સૌથી વધુ ભાર મૂક્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે પ્રતિકૂળ હવામાનમાં પણ વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી પડવી જોઈએ નહીં.
પરીક્ષા કેન્દ્રો પર પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા આદેશ
શિક્ષણમંત્રીએ તમામ પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓ માટે પાયાની અને તબીબી સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે કડક નિર્દેશો આપ્યા છે, જેમાં મુખ્યત્વે દરેક કેન્દ્ર પર પૂરતા પ્રમાણમાં પીવાનું શુદ્ધ અને ઠંડુ પાણી ઉપલબ્ધ કરાવવું, ગરમીથી બચવા માટે વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે યોગ્ય શેડ અથવા હોલની વ્યવસ્થા કરવી, હીટ સ્ટ્રોક કે અચાનક તબિયત બગડવાના કિસ્સામાં ઓઆરએસ અને જરૂરી તબીબી સહાય ત્વરિત મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવી બાબતોનો સમાવેશ થાય છે.
કેન્દ્રીય શિક્ષણમંત્રીનો સંદેશ:
“ભીષણ ગરમીના આ સમયમાં આપણી પ્રાથમિકતા વિદ્યાર્થીઓની સુરક્ષા અને સુવિધા છે. પરીક્ષા કોઈપણ અવરોધ વગર અને સંપૂર્ણ પારદર્શિતા સાથે પૂર્ણ થાય તે માટે કેન્દ્ર અને તમામ રાજ્ય સરકારોએ મળીને કામ કરવું પડશે.”
દેશભરમાં NEET-UG પરીક્ષાને લઈને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે આ પુનઃપરીક્ષાનું આયોજન રાષ્ટ્રીય સ્તરે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે, જેના માટે હવે વહીવટી તંત્ર પણ સજ્જ થઈ ગયું છે.

