Site icon Revoi.in

અમદાવાદના ચાંદખેડા, વટવા, ઘોડાસર વિસ્તાર માટે AMTSએ નવા રૂટ્સ શરૂ કર્યા

Social Share

અમદાવાદઃ  શહેરમાં ચાંદખેડા, વટવા અને ઘોડાસર વિસ્તારમાં એએમટીએસ દ્વારા ત્રણ નવા રૂટ્સ શરૂ કરવામાં આવ્યા છે. જેથી આ વિસ્તારના રહિશોને શહેરના અન્ય વિસ્તારોમાં જવા-આવવા માટે પબ્લિક ટ્રાન્સપોર્ટના નવા રૂટ્સની સુવિધા પ્રાપ્ત થઈ છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) બસના ભાડામાં 1 જુલાઈથી વધારો કરવામાં આવ્યો છે. ભાડા વધારા બાદ એએમટીએસ  દ્વારા ત્રણ રૂટની શરૂઆત કરવામાં આવી છે. શહેરના છેવાડે આવેલા ચાંદખેડા, વટવા અને ઘોડાસર વિસ્તારમાં લોકોની અવરજવર માટેના રૂટ ફરી શરૂ કરવામાં આવ્યા છે. એએમટીએસ  દ્વારા શરૂ કરાયેલા રૂટ નંબર, 18, 42 અને 84/1 અગાઉ શરૂ હતા, જે કોઈ કારણોસર બંધ કરી દેવામાં આવ્યા હતા. જેને હવે ફરીથી શરૂ કરવામાં આવ્યા છે.

એએમટીએસના સૂત્રોએ જણાવ્યું હતું કે,  શહેરના શાહપુરના શંકર ભુવન ખાતે રૂટ નં. 84/1નું લોકાર્પણ કરાયું હતું. આ રૂટ લાલ દરવાજા ટર્મિનસથી ચાંદખેડાના રાજીવનગર સુધીનો છે. જે વાયા ખાનપુર, શાહપુર દરવાજા, લાલાકાકા મ્યુનિ. હોલ, જ્યૂપિટર મિલ કંપાઉન્ડ, દરિયાખાન ઘુમ્મટ ક્વાર્ટર્સ, શાહીબાગ અંડરબ્રિજ, સુભાષબ્રિજ સર્કલ, કેશવનગર ટાંકી, ધર્મનગર, ચિંતામણિ સોસાયટી, અચેર ડેપો, પાર્શ્વનાથનગર, ચાંદખેડા ગામ, ઉત્સવ કોર્નર અને કેશવ એપાર્ટમેન્ટ થઈને દોડશે. રૂટ નં. 84/1માં બે બસ મુકાઈ છે, જેની કુલ 24 ટ્રીપ છે. આ ઉપરાંત ઘોડાસર ગામ ખાતે રૂટ નં. 42નું ઉદ્ઘાટન કરાયું હતું. આ રૂટ નિગમ સોસાયટીથી શીલજ ગામ વચ્ચે દોડશે. આ રૂટ વચ્ચે ઘોડાસર ગામ, દક્ષિણી સોસાયટી, મણિનગર, પુષ્પકુંજ, આબાદ ડેરી, રાયપુર દરવાજા, લાલ દરવાજા, ગુજરાત કોલેજ, સી.એન. વિદ્યાલય, પોલિટેકનિક, આઝાદ સોસાયટી, માનસી કોમ્પ્લેક્સ, જજીસ બંગલો, સિંધુ ભવન, આંબલી ક્રોસ રોડ અને શીલજ સર્કલ વચ્ચે થઈને દોડશે. તંત્ર દ્વારા આ રૂટ પર ચાર બસ મુકાઈ છે. તેની કુલ 32 ટ્રીપ થશે. રૂટ નંબર 18 ઘોડાસર નિગમ સોસાયટીથી ઉજાલા સર્કલ (સરખેજ રેલવે ઓવરબ્રિજ) સુધી દોડશે. આ બસ વાયા સુરતી મંદિર, શાલિગ્રામ (સેક્ટર-8), વટવા-ઈસનપુર ક્રોસ રોડ, નારોલ સર્કલ, ગ્યાસપુર એપ્રોચ, શાસ્ત્રીબ્રિજ એપ્રોચ, વિશાલા સર્કલ, જુહાપુરા અને સરખેજ બસસ્ટેન્ડ વચ્ચે થઈને દોડશે.
​​​

સૂત્રોએ ઉમેર્યું હતું કે, શહેરમાં એએમટીએસના રૂટ નં. 18, 42 અને 84/1 અત્યાર સુધી નોન-ઓપરેટિવ રૂટ હતા. જેને અગાઉ તંત્ર દ્વારા મળેલી મંજૂરી મુજબ શનિવારથી સંચાલનમાં મુકાયા છે. AMTSમાં તમામ બસો ખાનગી કોન્ટ્રાક્ટરની ચાલી રહી છે. હાલમાં પ્રાઇવેટ ઓપરેટરની 219 સીએનજી મિડી બસ, 57 સ્માર્ટ સિટી મિડી બસ, 100 સીએનજી મિડી બસ અને ઓ એન્ડ એમની 118 બસ વગેરે મળીને કુલ 794 બસનું ‌‌શિડ્યુલ ચાલી રહ્યું છે, જ્યારે ઓપરેશનલ રૂટનું શિડ્યુઅલ કુલ 135 રૂટનું છે.