Site icon Revoi.in

ન્યૂઝીલેન્ડની ટીમે ઈતિહાસ રચ્યો, પાકિસ્તાનને તેની ધરતી ઉપર 54 વર્ષમાં પહેલીવાર પરાજય આપ્યો

Social Share

નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડે 3 મેચની વનડે શ્રેણીની છેલ્લી મેચમાં પાકિસ્તાનને 2 વિકેટથી હરાવીને ઈતિહાસ રચ્યો છે. આ જીત સાથે કિવી ટીમે શ્રેણી 2-1થી જીતી લીધી હતી. આમ ન્યૂઝીલેન્ડની ટીમ  54 વર્ષમાં પહેલીવાર પાકિસ્તાનમાં શ્રેણી જીતી હતી. ન્યૂઝીલેન્ડની આ જીતનો હીરો ગ્લેન ફિલિપ્સ હતો, જેણે અંતમાં આવીને 42 બોલમાં 4 ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી 63 રનની અણનમ ઇનિંગ રમી હતી. નિર્ણાયક મેચમાં પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને ફખર ઝમાનની સદીની મદદથી 280 રન બનાવ્યા હતા. આ સ્કોરને કીવી ટીમે 11 બોલ બાકી રહેતા હાંસલ કર્યો હતો.

કરાચી નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. સુકાની બાબર અને શાન મસૂદ 21 રને આઉટ થતાં યજમાન ટીમ માટે તે સારી શરૂઆત ન હતી. બાબર માત્ર 4ના અંગત સ્કોર પર સ્ટમ્પ થઈ ગયો હતો. બાબરની વિકેટ પાકિસ્તાન માટે મોટો ફટકો હતો. જોકે, ફખર ઝમાન અને મોહમ્મદ રિઝવાને ત્રીજી વિકેટ માટે 154 રનની ભાગીદારી કરીને ટીમને આ સંકટમાંથી બચાવી હતી. રિઝવાને 74 બોલમાં 77 રન બનાવ્યા હતા, જ્યારે ફખર ઝમાને 101 રન બનાવ્યા હતા, જેણે વનડેમાં તેની 8મી સદી ફટકારી હતી. અંતે, આઘા સલમાને 45 રનની ઇનિંગ રમીને ટીમને 280ના સ્કોર સુધી પહોંચાડી હતી.

281 રનના લક્ષ્‍યાંકનો પીછો કરવા ઉતરેલી ન્યુઝીલેન્ડની ટીમની શરૂઆત સારી રહી પરંતુ તેનો એકપણ બેટ્સમેન મોટી ઇનિંગ રમવામાં સફળ રહી શક્યો ન હતો. ડેવોન કોનવે અને કેન વિલિયમસને અડધી સદી ફટકારી હતી જ્યારે ફિન એલને 25 અને ડેરેલ મિશેલે 31 રન બનાવ્યા હતા. એક સમય એવો હતો જ્યારે કિવિઓએ 181 રનમાં પોતાની 5 વિકેટ ગુમાવી દીધી હતી, ત્યારે ગ્લેન ફિલિપ્સે આવીને ટીમ માટે મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. ફિલિપ્સને તેની ઇનિંગ માટે મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો જ્યારે ડેવોન કોનવે મેન ઓફ ધ સિરીઝ બન્યો હતો.

(PHOTO-FILE)