Site icon Revoi.in

આતંકવાદ સામે NIAની કાર્યવાહી, ચાર રાજ્યમાં પાડ્યાં દરોડા

Social Share

નવી દિલ્હીઃ ભારતમાં આતંકવાદ અને નક્સલવાદને નાથવા માટે વિવિધ સુરક્ષા એજન્સીઓએ અભિયાન હાથ ધર્યું છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી એટલે કે એનઆઈએ દ્વારા આતંકવાદી સંગઠનોના નેટવર્કને તોડી પાડવા માટે મોટા પાયે કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન એનઆઈએની ટીમોએ કર્ણાટક, દિલ્હી, મહારાષ્ટ્ર અને ઝારખંડમાં અનેક સ્થળો ઉપર એનઆઈએ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર જેહાદી આતંકવાદી સંગઠનના નેટવર્ક સાથે સંબંધિત કેસમાં એનઆઈએની ટીમોએ કર્ણાટકમાં 19 સ્થળો ઉપર દરોડા પાડીને તપાસ હાથ ધરી હતી. આ ઉપરાંત મહારાષ્ટ્ર, ઝારખંડ અને દિલ્હીમાં મોટા પાયે કાર્યવાહી કરવામાં આવી હતી. એનઆઈએની વ્યાપક કાર્યવાહીને પગલે આતંકવાદી પ્રવૃતિઓ સાથે જોડાયેલા શખ્સોમાં ફફડાટ ફેલાયો છે. એનઆઈએની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. અગાઉ 13 ડિસેમ્બરે એજન્સીએ આતંકવાદી ષડયંત્રના કેસમાં બેંગ્લોરમાં અડધો ડઝનથી વધુ સ્થળોએ સર્ચ હાથ ધર્યું હતું. આતંકવાદીઓ સાથે જોડાયેલા હોવાની આશંકા ધરાવતા લોકોના સ્થાનો પર હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, 9 ડિસેમ્બરના રોજ મહારાષ્ટ્ર અને કર્ણાટકના અલગ-અલગ વિસ્તારોમાંથી પ્રતિબંધિત આતંકવાદી સંગઠનના 15 આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવ્યા બાદ સર્ચ શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ NIAની ટીમે પુણે, મીરા રોડ, મહારાષ્ટ્રના થાણે અને કર્ણાટકના બેંગલુરુ સહિત 44 અન્ય સ્થળો પર દરોડા પાડ્યા હતા.