અમદાવાદઃ રાજ્યમાં લોકોની સુખાકારી માટે સરકાર કરોડો રૂપિયાનો ખર્ચ કરતા હોય છે પણ તંત્રની આળસ અને અનઆવડતને લીધે સરકારી યોજનાઓનો પુરતો લાભ લોકોને મળતો નથી. એશિયાની સૌથી મોટી ગણાતી અમદાવાદની સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં 26 અત્યાધુનિક મોડ્યુલર ઓપરેશન થિયેટર બનાવ્યાં છે. ટ્રોમા સેન્ટરના ત્રણ, ચાર અને પાંચમા માળે આવેલાં ઓર્થોપેડિક, ઇએન્ડટી તેમજ સર્જરી વિભાગના 21માંથી 9 ઓપરેશન થિયેટરનું સ્ટ્રકચર ઉભું કરી દેવાયું છે. પરંતુ, ઓપરેશન થિયેટરમાં સર્જરી માટે એનેસ્થેશિયા ટ્રોલી, ઓપરેશન ટેબલ અને સર્જરીના સાધનો ન હોવાથી રૂ. 6.30 કરોડના ખર્ચે તૈયાર થયેલા 9 ઓપરેશન થિયેટર ધૂળ ખાય છે અને દર્દીને સર્જરી માટે રાહ જોવાની ફરજ પડી રહી છે.
આ ઓપરેશન થિયેટરમાં સાધનો સિવાય બધું ગોઠવાઈ ગયું છે ઓપરેશન લાઇટ, સ્ટેઇનલેસ સ્ટીલની વોલ પેનલ, એન્ટિબેકટેરિયલ પેઇન્ટિંગ, સ્ટેઇનલેસ સીલિંગ, ઓટી લાઇટ, ટેબલની આજુબાજુ ફરી શકે તેવું પેન્ડન્ટ, એન્ટિસ્ટેટીક કન્ડકટીવ ફ્લોરિંગ, સર્જન પેનલ, ઓપરેશન થિયેટરનો મુખ્ય દરવાજાનો સમાવેશ થાય છે. ટ્રોમા સેન્ટરનાં પાંચમા માળે સર્જરીના 9માંથી માત્ર 5 ઓ.ટી. ચાલુ છે. ચોથા માળે આવેલાં ઓર્થોપેડિક અને ત્રીજા માળે આવેલાં ઇએન્ડટી-પ્લાસ્ટિક સર્જરી માટેના અંદાજે પાંચ જેટલાં ઓપરેશન થિયેટરનું સ્ટ્રકચર તૈયાર છે, પણ જરૂરી સાધનોને અભાવે સર્જરી થઇ શકતી ન હોવાથી શોભાના ગાંઠિયા સમાન બની રહ્યાં છે.