Site icon Revoi.in

ઉત્તર ગુજરાતમાં સિઝનનો સરેરાશ 55.13 ટકા વરસાદ, ખેડૂતો ચિંતિત

Social Share

અમદાવાદઃ ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં હજુ સુધી જોઈએ તેવો વરસાદ નહીં વરસ્યો હોવાથી ખેડૂતો ચિંતિત બન્યાં છે. ઉત્તર ગુજરાતમાં લગભગ 55 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં છે. ભારે વરસાદના કારણે સમગ્ર રાજ્યમાં 200 જેટલા માર્ગો હાલ બંધ છે.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે એક નેશનલ હાઈવે, 18 સ્ટેટ હાઈવે, 20 અન્ય માર્ગો, 162 પંચાયતના માર્ગો ઉપર વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. જેમાં બનાસકાંઠા, વડોદરા, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, રાજકોટ, મોરબી, જામનગર, ભાવનગર, જૂનાગઢ, અમરેલી અને પોરબંદર જિલ્લાઓના માર્ગો અસરગ્રસ્ત થયા છે. આ ઉપરાંત ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ સંચાલિત એસ.ટી બસોના 55 રૂટ બંધ કરાયા છે અને 121 ટ્રીપો રદ કરાઈ છે.

ગુજરાતમાં ચાલુ સિઝનમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 69.24 ટકા નોંધાયો છે. જેમાં સૌથી વધુ સૌરાષ્ટ્ર ઝોનમાં 80.50 ટકા, દક્ષિણ ગુજરાતમાં 71.14 ટકા, કચ્છ ઝોનમાં 70.36 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 57.69 ટકા અને ઉત્તર ગુજરાતમાં 55.13 ટકા જેટલો સરેરાશ વરસાદ થયો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે જળાશયોમાં નવા પાણીની આવક થઈ છે. જેથી ઉનાળાના ગરમીના દિવસોમાં પાણીની સમસ્યા થવાની શકયતાઓ ખુબ જ ઓછી છે.