Site icon Revoi.in

ઉત્તર કોરિયાએ નવી હાઈટેક AI-ગાઈડેડ મિસાઈલનું પરીક્ષણ કર્યું

Social Share

ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ-ઉન ફરી એકવાર પોતાની સૈન્ય તાકાતનું પ્રદર્શન કરીને વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. પ્યોંગયાંગે મંગળવારે એકસાથે અનેક નવીનતમ શસ્ત્રોનું પરીક્ષણ કર્યું છે, જેમાં નવા વિકસિત ‘લાઈટવેઈટ મલ્ટીપર્પઝ મિસાઈલ લોન્ચિંગ સિસ્ટમ’ અને ‘ટેક્ટિકલ ક્રૂઝ મિસાઈલ’નો સમાવેશ થાય છે. ઉત્તર કોરિયાના સરકારી મીડિયાના અહેવાલ મુજબ, આ પરીક્ષણ દરમિયાન પોતે કિમ જોંગ-ઉન હાજર રહ્યા હતા અને તેમણે સૈન્યની આધુનિકીકરણની પ્રક્રિયા પર મોટું સંતોષ વ્યક્ત કર્યું હતું.

શું છે આ નવા પરીક્ષણની વિશેષતા?

ચોકસાઈ પર ભાર: આ પરીક્ષણમાં 240mm કંટ્રોલ્ડ આર્ટિલરી રોકેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાં ‘અલ્ટ્રા-પ્રિસિઝન ઓટોનોમસ નેવિગેશન સિસ્ટમ’ ફીટ કરવામાં આવી છે.

AI-ગાઈડેડ હિટ: નવી ટેક્ટિકલ ક્રૂઝ મિસાઈલ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને ટેરેન-મેપિંગ (ભૂપ્રદેશ મેપિંગ) સિસ્ટમથી સજ્જ છે. તે 100 કિલોમીટરના અંતરે કોઈપણ લક્ષ્યને અત્યંત ચોકસાઈથી વીંધવાની ક્ષમતા ધરાવે છે.

દક્ષિણ સરહદ પર તૈનાતી: કિમ જોંગ-ઉને ખાસ કરીને ટેક્ટિકલ ક્રૂઝ મિસાઈલના વખાણ કર્યા છે અને તેને દક્ષિણ સરહદ નજીકના લોંગ-રેન્જ આર્ટિલરી યુનિટ્સમાં તૈનાત કરવાનો આદેશ આપ્યો છે.

વૈશ્વિક તણાવમાં વધારો

દક્ષિણ કોરિયાના લશ્કરી અહેવાલ મુજબ, ઉત્તર કોરિયાએ જોંગજુ વિસ્તારમાંથી પીળા સમુદ્ર (Yellow Sea) તરફ અનેક ક્લોઝ-રેન્જ બેલિસ્ટિક મિસાઈલો (CRBMs) પણ છોડી હતી. આ વર્ષે ઉત્તર કોરિયાનું આ 8મું મિસાઈલ પરીક્ષણ છે, જે તેમની વધતી જતી સૈન્ય મહત્વાકાંક્ષા દર્શાવે છે.

દક્ષિણ કોરિયાનો વળતો જવાબ

ઉત્તર કોરિયાના આ પગલા બાદ દક્ષિણ કોરિયા પણ સાવધ થઈ ગયું છે. સિયોલે અદ્યતન ‘ન્યુક્લિયર-પ્રોપેલ્ડ સબમરીન’ (પરમાણુ સંચાલિત સબમરીન) વિકસાવવાની જાહેરાત કરી છે. દક્ષિણ કોરિયાના સંરક્ષણ મંત્રી આન ગ્યુ-બેકે જણાવ્યું હતું કે, આ સબમરીન 2030 ના દાયકાના અંત સુધીમાં કાર્યરત થશે અને તે ઉત્તર કોરિયાના પરમાણુ અને મિસાઈલ જોખમોનો સામનો કરવામાં નિર્ણાયક સાબિત થશે.

(PHOTO-AI)

Exit mobile version