Site icon Revoi.in

શિક્ષકોની ભરતીમાં આંકડાશાશ્ત્ર, તત્વજ્ઞાન અને ભૂગોળના ક્વોલિફાઈડ પુરતા ઉમેદવારો ન મળ્યા

Social Share

ગાંધીનગરઃ રાજ્યમાં શિક્ષિત બેરાજગારોની સંખ્યા વધતી જાય છે. બીજીબાજુ ક્વોલિફાઈડ ઉમેદવારો મળતા નથી. શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 11 અને 12માં શરૂ કરાયેલી શિક્ષકોની ભરતીમાં આંકડાશાસ્ત્ર વિષય માટે ક્વોલિફાઇડ ઉમેદવારો ન મળતાં 230 ખાલી જગ્યા સામે માત્ર 20 ઉમેદવારોની જ ભરતી થઈ શકી છે. આ સાથે જ તત્ત્વજ્ઞાન અને ભૂગોળ વિષયમાં પણ ખાલી સીટ્સ સામે ક્વોલિફાઇડ ઉમેદવારોની સંખ્યા ઓછી રહી છે. ઉમેદવારોના મતે, ભરતી માટે બેચલર અને માસ્ટર ડિગ્રીમાં પણ અર્થશાસ્ત્ર વિષયની માગ કરાતા ઉમેદવારો ક્વોલિફાય થઈ શક્યા નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના શિક્ષણ વિભાગે સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં વિવિધ 18 વિષયો પર ભરતી જાહેર કરી હતી. હાલમાં તમામ ઉમેદવારો માટે ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર કરાયું છે. આ સમગ્ર ભરતી પ્રક્રિયા પહેલી વાર ઓનલાઇન કરાઈ હતી, જેમાં શિક્ષણ વિભાગે સમગ્ર ભરતી પ્રક્રિયામાં ઉમેદવારો માટે પૂરતી પારદર્શિતા રાખી છે. સમગ્ર પ્રક્રિયા દરમિયાન સ્કૂલોમાં 3 હજાર જેટલા શિક્ષકોની ભરતી થશે, પરંતુ સમગ્ર ભરતી પ્રક્રિયામાં ત્રણ વિષયોમાં જાહેર કરેલી જગ્યાઓ સામે પૂરતી સંખ્યામાં ઉમેદાવરો મળ્યા નથી. ખાસ કરીને સ્ટેટિસ્ટિક વિષયમાં 230 જગ્યા સામે માત્ર 20 ઉમેદવારો જ ક્વોલિફાય થઈ શક્યા છે.

ઉમેદવારોએ જણાવ્યું કે, આંકડાશાસ્ત્રમાં બેચલર અને માસ્ટર ડિગ્રી કરી હોય તેવા બહુ ઓછા ઉમેદવારો છે, તેથી ઉમેદવારોએ આ મુદ્દે શિક્ષણ વિભાગને રજૂઆત પણ કરી હતી, પરંતુ કોઈ નિરાકરણ થયું નહીં. આ ઉપરાંત આંકડાશાસ્ત્રની સાથે તત્ત્વજ્ઞાન અને ભૂગોળ વિષયમાં પણ ઉમેદવારોની સંખ્યા ઓછી જોવા મળી છે. તત્ત્વજ્ઞાનમાં 155 ખાલી જગ્યા સામે 50 ઉમેદવારની પસંદગી થઈ છે, જ્યારે ભૂગોળમાં 128 ખાલી જગ્યા સામે 47 ઉમેદવારની પસંદગી થઈ છે. ઘણી કોલેજોમાં માસ્ટર ડિગ્રીમાં સ્ટેટિસ્ટિક્સ વિષયના પ્રોફેસર ન હોવાથી આ કોલેજો વિદ્યાર્થીઓને સ્ટેટિસ્ટિક્સ વિષય આપી શકતી નથી, જેના કારણે વિદ્યાર્થીઓએ કોમર્સના અન્ય વિષયો પસંદ કરવા પડે છે. હવે જો ભરતી માટે માસ્ટર ડિગ્રીમાં પણ સ્ટેટિસ્ટિક્સ વિષય ફરજિયાત કરાયો હશે તો સ્વાભાવિક જ ઉમેદાવારો ઘટશે.