Site icon Revoi.in

દિવાળીના તહેવારો ટાણે જ માત્ર શાકભાજી નહીં, પણ કઠોળના ભાવમાં પણ વધારો થયો

Social Share

અમદાવાદઃ દિવાળીના તહેવારો ટાણે જ શાકભાજીના ભાવમાં વધારો થયો છે. જ્યારે કઠોળના ભાવમાં પણ પહેલાથી જ વધારો થયેલો હોવાથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની હાલત કફોડી બની છે. કઠોળના ભાવ છેલ્લા 5 વર્ષથી ઉંચા રહ્યા છે. જેના કારણે અનેક પરિવારોને કઠોળના ઉપયોગ ઉપર કાપ મૂકવાની ફરજ પડી છે. દિવાળી ટાણે મગ, અડદ, તુવેરદાળ સહિતની જીવન જરુરિયાતની ચીજ-વસ્તુઓ મોંઘી બનતાં લોકોને પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. હાલ દિવાળીના તહેવારોને કારણે શાકભાજીના ભાવમાં અસામાન્ય વધારો થયો છે, જ્યારે કઠોળના ભાવ પણ આસમાને છે.

શહેરમાં ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો શાકભાજીના ભાવમાં વધારો થાય ત્યારે કઠોળનો ઉપયોગ કરતાં હતાં. પરંતુ હવે  શાકભાજીના ભાવમાં વધારો થયો છે, બીજીબાજુ  કઠોળ પણ મોંઘુ છે. ઘરઆંગણે કઠોળનું ઉત્પાદન ઓછું થાય છે અને અન્ય રાજ્યોમાંથી કઠોળની આયાત ઉપર નિર્ભર રહેવું પડતું હોવાના કારણે ઘણા લાંબા સમયથી કઠોળના ભાવ સતત વધી રહ્યા છે.

મોંઘવારી દિનપ્રતિદિન વધી રહી છે. અને જીવન જરૂરિયાતની ચિજ-વસ્તુઓના ભાવમાં પણ વધારો થતાં દિવાળીના તહેવારોમાં ગરીબ અને મધ્યમ વર્ગની હાલત કફોડી બની છે. 5 વર્ષમાં કઠોળના ભાવ બમણા થયા છે. જેમાં વર્ષ-2018માં મગના ભાવ પ્રતિ કિલોએ રુ 55થી 60 હતાં. જે હવે રુ. 100થી 120 અને અડદ દાળનો ભાવ વર્ષ-2018માં રુ.65થી 75 હતો, તે હાલ રુ.120થી 125 તેમજ તુવેર દાળનો ભાવ વર્ષ-2018માં રુ. 75થી 90 હતો, તે હાલ વધીને રુ. 120 સુધી પહોંચી ગયો હોવાના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે ખરીદી કરવી મુશ્કેલી બની છે. કઠોળના ભાવ સાથે અન્ય આવશ્યક ચીજ-વસ્તુઓના ભાવ પણ 5 વર્ષ દરમિયાન વધ્યા છે. જેથી જીવન જીવવા માટે હજારો પરિવારોને ખરીદીમાં કાપ મૂકવાની ફરજ પડી છે.