Site icon Revoi.in

રાજ્ય સરકારને બોન્ડ આપ્યા બાદ ગાંમડાંમાં નોકરી કરવા ન માગતા 446 તબીબોને નોટિસ

Social Share

અમદાવાદઃ રાજ્યની મેડિકલ કોલેજોમાં દાખલ થતી વખતે તબીબી સ્નાતક અભ્યાસક્રમ પૂરો થયા પછી ગ્રામ્ય વિસ્તારમાં ત્રણ વર્ષ માટે પોતે સેવા આપશે તેવી લેખિત બાંહેધરી બોન્ડ સ્વરૂપમાં રાજ્ય સરકારને આપવી પડે છે. કારણ કે સરકાર મેડિકલ કોલેજો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે, અને સરકાર એવી આશા રાખતી હોય છે. કે વિદ્યાર્થીઓ તબીબ બન્યા બાદ ત્રણ વર્ષ સુધી ગામડાંની હોસ્પિટલોમાં ફરજ બજાવે, પણ તબીબીનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ મોટાભાગના તબીબો ગાંમડામાં ફરજ બજાવવા માગતા નથી, સરકારને ગામડાંમાં ફરજ બજાવવાના બોન્ડ આપ્યા હોવા છતાં તબીબો ગામડાંની હોસ્પિટલોમાં હાજર થતા નથી. આ વર્ષે તબીબ બનેલા અને સરકારને બોન્ડ આપેલા હોય તેવા 446 તબીબો ગામડાંની હોસ્પિટલોમાં હાજર ન થતાં સરકારે 446 તબીબોને નોટિસ ફટકારી છે.

ગુજરાત સરકારના આરોગ્ય તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ વિભાગના કમિશનરે આ તમામ 446 ડોક્ટરોને ડિટેઈલ પોસ્ટિંગ આપી દીધા છે અને આગામી સાત દિવસમાં તેમને સોંપવામાં આવેલી ફરજના સ્થળે હાજર નહીં થાય તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ આ નોટિસમાં સ્પષ્ટ જણાવાયું છે. આરોગ્ય કમિશનરે જણાવ્યું હતું કે આ તમામ ડોક્ટરોને દર મહિને 75,000 ફિક્સ વેતન આપવામાં આવશે. વેતનની રકમ પર અન્ય કોઈ ભથ્થા કે ઈજાફા મળશે નહીં. જે તે ડોક્ટર હોય તેમને જે સ્થળે નિમણૂક આપવામાં આવી છે ત્યાં હાજર થઈને જાહેર આરોગ્ય વિભાગના સચિવ અને આરોગ્ય કમિશનરની ગાંધીનગર ખાતે આવેલી કચેરીએ તથા ગાંધીનગરમાં આવેલી મામલતદાર (વસૂલાત)ની કચેરીને અચૂક જાણ કરવાની રહેશે. જે ડોક્ટરોએ હજુ સુધી ગુજરાત મેડિકલ કાઉન્સિલનું આખરી રજીસ્ટ્રેશન મેળવેલ ન હોય તેમણે તે મેળવીને હાજર થયે રજૂ કરવાનું રહેશે. બોન્ડેડ ડોક્ટરોને જે સ્થળે નિમણૂક આપવામાં આવી છે ત્યાં જ હાજર થવાનું રહેશે અને બદલીની માંગણી કે રજૂઆત કરી શકશે નહીં.