Site icon Revoi.in

સૌરાષ્ટ્ર યુનિના ડે. રજિસ્ટ્રારને વર્ષો પહેલાના કથિત ગેરરીતિના મામલે નોટિસ

Social Share

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છેલ્લા ઘણા સમયથી વિવાદોનું ઘર બની ગઈ છે. રોજબરોજ કોઈને કોઈ વિવાદ ઊભો થાય છે. ત્યારે યુનિવર્સિટીના ડેપ્યુટી રજિસ્ટ્રાર જી.કે. જોષી સામે સેન્ટ્રલ યુનિવર્સિટી, ગાંધીનગરથી તપાસના આદેશ આવ્યા છે. સેન્ટ્રલ યુનિવર્સિટીમાંથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને પત્ર ઈ-મેલ કરાયો છે જેમાં જણાવાયું છે કે, જી.કે. જોષી સેન્ટ્રલ યુનિવર્સિટીમાં રજિસ્ટ્રાર હતા તે સમય દરમિયાન યુનિવર્સિટીમાં કરાયેલી 1 કરોડની ખરીદીમાં ગેરરીતિ આચરી છે અને તેમની સામે કાર્યવાહી કરવા જણાવાયું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ડેપ્યુટી રજિસ્ટ્રાર જી .કે. જોષી વર્ષ 2011-12 અને 2014માં પણ સેન્ટ્રલ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પદે રહ્યા હતા. તત્કાલિન સમયે એક કોરડની ખરીદીમાં કથિત ગેરરીતિના મામલે તેમને નોટિસ આપવામાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એકબાજુ સેનેટની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે જ ચૂંટણીની જવાબદારી સંભાળતા ડે.રજિસ્ટ્રાર સામે સેન્ટ્રલ યુનિવર્સિટી દ્વારા તપાસના આદેશ આપવામાં આવતા યુનિવર્સિટીમાં ચર્ચા જાગી છે. 10 વર્ષ પહેલાની બાબત અંગે અત્યારે છેક તપાસ થતાં તરેહ-તરેહની ચર્ચા જાગી છે.

આ અંગે યુનિના ડે. રજિસ્ટ્રાર જી કે જોષીએ જણાવ્યું હતું કે,  સેન્ટ્રલ યુનિવર્સિટીમાં જે-તે વખતે પણ નાણાકીય સત્તા મારી પાસે હતી જ નહીં. મારે 5 પૈસાનું પણ બિલ મંજૂર કરાવવું હોય તો કુલપતિને પાસે જ સત્તા હતી. મને હજુ સુધી કોઈ સત્તાવાર કાગળ પણ મળ્યો નથી. સેન્ટ્રલ યુનિવર્સિટીમાં હું 2011-12માં હતો, આટલા વર્ષમાં ત્યાંથી મને કોઈ મેસેજ કે કાગળ મળ્યો નથી. સેન્ટ્રલ યુનિવર્સિટીમાં ખરીદીની સમિતિ અલગ હોય છે તેમાં ડીન, વીસી સહિતના અધિકારીઓ હોય છે, જ્યારે રજિસ્ટ્રાર હોતા જ નથી.