બેંગ્લુરુ, 16 ફેબ્રુઆરી 2026: ભારતની સૈન્ય શક્તિમાં જબરદસ્ત વધારો થવા જઈ રહ્યો છે. આ અઠવાડિયે ભારત અને ફ્રાન્સ વચ્ચે રાફેલ ફાઈટર જેટમાં વપરાતી અત્યંત ઘાતક ‘હેમર’ મિસાઈલોના ભારતમાં જ નિર્માણ માટે એક મહત્વપૂર્ણ કરાર થવા જઈ રહ્યો છે. મંગળવારે બેંગલુરુમાં ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને ફ્રાન્સના રક્ષા મંત્રી કેથરીન વોટ્રિન વચ્ચે યોજાનારા સંરક્ષણ સંવાદમાં આ અંગે સત્તાવાર મહોર મારવામાં આવશે. આ સમજૂતી હેઠળ ફ્રાન્સની દિગ્ગજ સંરક્ષણ કંપની ‘સાફ્રાન’ અને ભારતની ‘ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ’ સંયુક્ત રીતે આ મિસાઈલનું નિર્માણ કરશે. આ પ્રોજેક્ટમાં ટેકનોલોજી ટ્રાન્સફરનો પણ સમાવેશ થાય છે, જેનો અર્થ છે કે હવે ભારત પાસે આ અત્યાધુનિક મિસાઈલ બનાવવાની ક્ષમતા હશે. હાલમાં ભારતીય વાયુસેના ફ્રાન્સથી આયાત કરેલી હેમર મિસાઈલોનો ઉપયોગ કરી રહી છે, પરંતુ દેશમાં જ નિર્માણ થવાથી તેની કિંમતમાં મોટો ઘટાડો થશે.
આ મિસાઈલ 70 કિલોમીટર દૂર બેઠેલા દુશ્મનના બંકરો, અડ્ડાઓ અને સશસ્ત્ર વાહનોને સચોટ રીતે નષ્ટ કરી શકે છે. તે ખાસ કરીને પહાડી વિસ્તારોમાં છુપાયેલા લક્ષ્યોને વીંધવામાં સક્ષમ છે. આ મિસાઈલની સૌથી મોટી ખાસિયત એ છે કે તે GPS સિગ્નલ વિના પણ કાર્ય કરી શકે છે, જેના કારણે તેને જામ કરવી અશક્ય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સંયુક્ત રીતે કર્ણાટકના વેમગલમાં ‘ટાટા એરબસ’ની H125 લાઈટ યુટિલિટી હેલિકોપ્ટરની ફાઈનલ એસેમ્બલી લાઈનનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન પણ કરશે. ભારત અને ફ્રાન્સ વચ્ચેનો સંરક્ષણ સહયોગ કરાર આગામી 10 વર્ષ માટે લંબાવવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. બંને દેશો વચ્ચે પહેલાથી જ ‘શક્તિ’ (થલ સેના), ‘વરુણ’ (નૌસેના) અને ‘ગરુડ’ (વાયુસેના) જેવા સંયુક્ત સૈન્ય અભ્યાસો ચાલી રહ્યા છે, જે વ્યૂહાત્મક સંબંધોને મજબૂત બનાવે છે. નોંધનીય છે કે, જુલાઈ 2023માં પીએમ મોદી ફ્રાન્સના બેસ્ટિલ ડે પર મુખ્ય અતિથિ હતા, જ્યારે જાન્યુઆરી 2024માં રાષ્ટ્રપતિ મેક્રોન ભારતના પ્રજાસત્તાક પર્વ પર મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચોઃ દેશમાં કરન્સી સર્ક્યુલેશન 40 લાખ કરોડના રેકોર્ડ સ્તરે પહોંચ્યું

