Site icon Revoi.in

ગુજરાતને કૂપોષણમુક્ત બનાવવા માટે હવે પોષણ ટ્રેકર એપ્લીકેશનનો ઉપયોગ

Social Share

ગાંધીનગરઃ દેશમાં પછાત ગણાતા રાજ્યોની તુલનામાં પણ ગુજરાતમાં કૂપોષણનું પ્રમાણ વધુ છે. રાજ્ય સરકાર દ્વારા કૂપોષણને નાથવા પ્રયાસો વધુ સઘન બનાવવામાં આવ્યા છે. જેમાં હવે ડીજીટલ ટેકનોલોજીનો ઉપયોગ કરી રાજ્યમાં કુપોષણ નો દર ઘટાડવા સરકાર કટિબદ્ધ બની છે આ માટે ગુજરાતની 5 હજારથી વધુ આંગણવાડીઓમાં પોષણ ટ્રેકર એપ્લિકેશન દ્વારા નજર રાખવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતને કુપોષણથી મુક્ત કરવા માટે સરકાર દ્વારા રાજ્યની 5,329 આંગણવાડીઓમાં પોષણ ટ્રેકર એપ્લિકેશન નાખવામાં આવશે અને તેના થકી જે તે જિલ્લા અને વિસ્તારની સમીક્ષા કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે કુપોષણ સામે લડવા માટે હવે ગુજરાત સરકાર દ્વારા ડિજિટલ ટ્રેક્ટર ડેશબોર્ડ શરૂ કરવામાં આવી રહ્યું છે. જેમાં તમામ આંગણવાડીના કાર્યકરો જોડાયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે પોષણ અભિયાન અંતર્ગત તમામ આંગણવાડીઓમાં સ્માર્ટફોન સુવિધા પૂરી પાડી ડિજિટલ કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે હવે તમામ આંગણવાડીના કાર્યકરોના સ્માર્ટફોનમાં પોષણ ટ્રેકર એપ્લિકેશન ડાઉનલોડ કરવામાં આવ્યું છે. જેમાં નોંધાયેલા અંદાજિત 46 લાખ લાભાર્થીઓનુ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે,  રાજ્યમાં કુપોષણનો દર ઘટાડવા માટે સગર્ભા અને ધાત્રી માતાઓને પોષણ તેમજ આરોગ્ય અંગેનું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. સાથે સાથે કુપોષણ અંગે જાગૃતિ લાવવા માટે પણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે હવે ગુજરાત સરકાર દ્વારા તમામ આંગણવાડીઓમાં પોષણ ટ્રેકર એપ્લિકેશન ડેશબોર્ડ દ્વારા પોષણ અભિયાનની કામગીરીનું સંપૂર્ણ મોનીટરીંગ અને સમીક્ષા કરવામાં આવશે. જેના કારણે ક્યાં કેટલી અને કેવા પ્રકારની કુપોષણ અંગેની કામગીરી થાય છે. તેની સંપૂર્ણ માહિતી માત્ર આંગળીના ટેરવે મળી રહેશે.