Site icon Revoi.in

ગુજરાત યુનિવર્સિટીમાં BSC નર્સિંગ પરીક્ષાની 30 ઉત્તરવહીઓ ગાયબ થતા NSUIએ મચાવ્યો હોબાળો

Social Share

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં બી એસ.સી નર્સિંગની પરીક્ષાની ઉત્તરવહીઓ ગુમ થવાની ઘટના બનતા યુનિ.ના નવ નિયુક્ત કૂલપતિ નીરજા ગુપ્તા સામે વધુ એક મુસિબત આવી પડી છે. નર્સિંગની પરીક્ષા બાદ વિદ્યાર્થીઓની ઉત્તરવહી યુનિવર્સિટીમાં જમા કરાવવામાં આવી હતી, જે મોડી રાતે ગાયબ થતાં કોંગ્રેસ અને NSUIના વિદ્યાર્થી નેતાઓને કુલપતિને રજુઆત કરીને હોબાળો મચાવ્યો હતો. ગાયબ થયેલી ઉત્તરવહી સવારે યુનિવર્સિટીમાં જમા થાય એ પહેલાં NSUI દ્વારા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. જોકે કુલપતિ નીરજા ગુપ્તાએ જણાવ્યું હતું કે ઉત્તર વહીઓ ગુમ થવાની ગંભીર ઘટના છે. અને આ સંદર્ભે પોલીસ ફરિયાદ નોંધાવાશે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત યુનિવર્સિટીમાં BSC નર્સિંગની ચોથા વર્ષની પરીક્ષા ચાલી રહી છે. પરીક્ષાના પેપર રોજ ગુજરાત યુનિવર્સિટીના બોટની ડિપાર્ટમેન્ટમાં પહોચાડવામાં આવે છે. આ પેપર ચકાસણી માટે આવ્યા એ અગાઉ જ 28 ઉત્તરવહી ગાયબ થઈ ગઈ હતી. મોડી રાતે સીસીટીવી કેમેરા બંધ થયા અને રાતે 28 ઉત્તરવહી ગાયબ થઈ ગઈ હતી. આ ઉત્તરવહીમાં જવાબ લખીને સવારે આવે એ પહેલાં જ NSUIના નેતાઓ દ્વારા યુનિવર્સિટીમાં ફરિયાદ કરી દીધી હતી. સોમવારે પરીક્ષામાં હાજર હોય તેવા 14 વિદ્યાર્થીની 28 ઉત્તરવહી ગાયબ થઈ ગઈ હતી. સેન્ટરના કોઓર્ડિનેટર અને સિક્યોરિટી સ્ટાફની હાજરીમાં ઉત્તરવહી ગાયબ થતાં યુનિવર્સિટીના સત્તાધીશો સામે સવાલ ઊભા થયા છે. આ મામલે યુનિવર્સિટીમાં ટાવરના અધિકારી, પરીક્ષા વિભાગના અધિકારીઓ શંકાના દાયરામાં છે, જોકે અત્યારે યુનિવર્સિટી દ્વારા પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.

કોંગ્રેસના વિદ્યાર્થી નેતાના કહેવા મુજબ કોંગ્રેસ અને NSUIના નેતાઓ દ્વારા આ મામલે સોમવારથી જ નજર રાખવામાં આવી રહી હતી. રાતે ઉત્તરવહી જ્યારે ગાયબ થઈ ત્યારથી નેતાઓ બૉટની વિભાગની બહાર ઊભા રહી ગયા હતા. સવારના 6 વાગ્યાના નેતાઓ વિભાગની બહાર ઊભા રહીને ઉત્તરવહીમાં સાચા જવાબ લખીને પરત જમા ન થઈ જાય એ માટે ઊભા હતા અને ઉત્તરવહી જમા થવા દીધી નહોતી. કોંગ્રેસના નેતા ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, મનીષ દોશી, પાર્થિવરાજસિંહ દ્વારા કુલપતિને આ અંગે ફરિયાદ કરવામાં આવી હતી.

આ અંગે કોંગ્રેસના નેતા ઇન્દ્રવિજયસિંહ ગોહિલે જણાવ્યું હતું કે મોડી રાત્રે અંધારામાં યુનિવર્સિટીમાંથી ઉત્તરવહી ગાયબ થઈ છે. અને સવારે જવાબ લખાવીને ઉત્તરવહી જમા થાય એ પહેલાં જ કૌભાંડ બહાર આવી ગયું છે. વિભાગના HOD કહે છે. કે, સીસીટીવી બંધ છે, જે શરમની વાત છે. હવે આ મામલે યુનિવર્સિટી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે એવી માગણી છે. યુનિવર્સિટીના અધિકારીઓ પણ સામેલ છે. તેમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ. જો કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસમાં NSUI અને કોંગ્રેસ દ્વારા આંદોલન કરશે.

ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નીરજા ગુપ્તાએ જણાવ્યું હતું કે, મારા ધ્યાનમાં વહેલી સવારે આ બાબત આવી હતી. જેથી મેં તપાસ કમિટી નથી બનાવી, પરંતુ પોલીસને જાણ કરી હતી. આ અંગે યુનિવર્સિટી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ મામલે પણ દોષિત સામે પગલાં લેવામાં આવશે. દાખલો બેસે એ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે. વિભાગના કોઓર્ડિનેટરને પણ મળવા બોલાવ્યા છે.