Site icon Revoi.in

ગુજરાત યુનિ.માં BSC નર્સિંગની ઉત્તરવહીઓ ગુમ થવાને મુદ્દે SITની રચના કરવા NSUIની માગ

Social Share

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીના બોટની વિભાગમાંથી બીએસસી નર્સિંગ પરીક્ષાની 28 ઉત્તરવહીઓ ગાયબ થયાને મામલો પ્રકાશમાં આવતા રાજ્ય સરકારે પણ યુનિવર્સિટી પાસે પિપોર્ટ માગ્યો હતો. યુનિવર્સિટીના સત્તાધિશોએ આ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે. ત્યારે આ મામલે સીટની રચના કરીને જવાબદારો સામે કડક પગલાં લેવાની માગ સાથે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈએ કૂલપતિને રજુઆત કરી હતી. વિદ્યાર્થીઓને આ મુદ્દે પરીક્ષા નિયામકના રાજીનામાની માગણી સાથે સૂત્રોચ્ચાર પણ કર્યો હતો.

ગુજરાત યુનિવર્સિટી દ્વારા પરીત્રાની ઉત્તરવહીઓ ગાયબ થયાના 48 કલાક બાદ કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા NSUI એ ગુજરાત યુનિવર્સિટીમાં હોબાળો કર્યો હતો. કુલપતિની ઓફિસમાં જઈને નારાબાજી કરી ઉત્તરવહી ગાયબ કરવા મામલે જવાબદાર પરીક્ષા નિયામકને સસ્પેન્ડ કરવા માગ કરી હતી. આ ઉપરાંત તપાસ કરવા SIT રચવા માગણી કરી છે.

NSUIના પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટીમાં ઉત્તરવહી ગાયબ થવાનું કૌભાંડ NSUI દ્વારા પ્રકાશમાં લાવવામાં આવ્યું છે. આ મામલે 48 કલાક બાદ પણ યુનિવર્સિટી દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેથી NSUIના કાર્યકરો યુનિવર્સિટીમાં અલગ અલગ જગ્યાએથી રેલી કાઢીને ભેગા થયા હતા. કુલપતિ અને પરીક્ષા નિયામક વિરુદ્ધ નારાબાજી કરીને NSUIના કાર્યકરોએ વિરોધ કર્યો હતો. 200થી વધુ કાર્યકરો કુલપતિ વિરોધી સૂત્રોચ્ચાર કરતા કુલપતિ ઓફિસ પહોંચ્યા હતા. કુલપતિ ઓફિસમાં પહોંચીને સમગ્ર મામલે રજૂઆત કરી હતી. NSUIના કાર્યકરોએ કુલપતિ ચેમ્બરમાં જઈને કુલપતિ પાસે કાર્યવાહી ન કરવા માટેના કારણ માગ્યા હતા. કુલપતિએ સમગ્ર મામલે પોલીસ તપાસનો રટણ ચાલુ રાખ્યું હતું. જો કે, NSUIએ કડક શબ્દોમાં કુલપતિને આ મામલે જવાબદાર પરીક્ષા નિયામક તથા વિભાગના કોર્ડિનેટર સામે યુનિવર્સિટી કક્ષાએ કાર્યવાહી કરવા માગ કરી હતી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પેરમેડિકલમાં વિદ્યાર્થીઓને પાસ કરાવવાનું કૌભાડ ચાલી રહ્યું છે. નર્સિંગના વિદ્યાર્થીઓને પણ 50000 રૂપિયામાં પેપર લખાવવામાં આવતા હતા. આ કૌભાંડ યુનિવર્સિટીના ભ્રષ્ટ અધિકારીઓ પણ સામેલ છે. છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. જેથી અમારી માગણી છે કે, SIT બનાવીને તપાસ કરવામાં આવે તો તથ્ય સામે આવશે. આ અંગે તાત્કાલિક પરીક્ષા નિયામકને સસ્પેન્ડ કરવામાં આવે  તેવી માગ કરવામાં આવી છે.