Site icon Revoi.in

રાજકોટમાં ખાનગી શાળાઓએ માત્ર 10 દિવસનું દિવાળી વેકેશન જાહેર કરતા NSUIએ કર્યો વિરોધ

Social Share

રાજકોટઃ રાજ્ય સરકાર દ્વારા શાળાઓમાં જાહેર કરાતી રજાઓ કે વેકેશનનું ખાનગી શાળાઓએ પણ પાલન કરવાનું હાય છે. પરંતુ રાજકોટ શહેરની કેટલીક ખાનગી શાળાઓએ માત્ર 10 દિવસનું દિવાળી વેકેશન જાહેર કરતા ઘણા વાલીઓએ પોતાના બાળકો સાથે પર્યટન સ્થળોએ ફરવા જવાનો કાર્યક્રમ રદ કરવાની ફરજ પડી છે. જ્યારે આ મામલે એનએસયુઆઈએ પણ વિરોધ કરીને જિલ્લા શિક્ષણાધિકારીને રજુઆત કરી છે. અને ખાનગી શાળા સંચાલકોની મનમાની ચલાવી લેવામાં આવશે નહીં, એવી ચીમકી પણ આપી હતી.

રાજ્ય સરકાર દ્વારા આગામી દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને વેકેશનની જાહેરાત કરવામાં આવી છે, જેમાં રાજ્યની તમામ શાળાઓમાં શૈક્ષણિક કેલેન્ડર પ્રમાણે દિવાળી વેકેશન 9થી 29 નવેમ્બર એટલે કે 21 દિવસનું રહેશે. વેકેશન અંગેનો સરકારનો પરિપત્ર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીથી સ્કૂલોને જાણ કર્યા બાદ પણ અનેક ખાનગી શાળાઓએ માત્ર 10 દિવસનું વેકેશન જાહેર કરતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓમાં રોષ ફાટી નીકળ્યો છે. આ અંગે રાજકોટના કોંગ્રેસના આગેવાનો અને NSUIએ  જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરી હતી. અને જો રજાના દિવસોમાં શૈક્ષણિક કાર્ય ચાલુ રહેશે, તો શાળાએ પહોંચી હલ્લાબોલ કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.

રાજકોટ NSUI પ્રમુખ બ્રિજરાજસિંહ રાણાએ જણાવ્યું હતું કે, NSUI દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખાતે લેખિત રજૂઆત કરવામાં આવી છે, જેમાં અમે જણાવ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા 21 દિવસનું દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. આમ છતાં રાજકોટમાં કેટલીક ખાનગી શાળાઓ દ્વારા આ દીવાળી વેકેશનને ટૂંકાવી માત્ર 10 દિવસનું કરવામાં આવ્યું છે, જેની સામે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. કોઈ વાલીઓ શાળાએ આ અંગે ફરિયાદ કરે તો શાળા દ્વારા જે તે વાલી અને વિદ્યાર્થી સામે રાગદ્વેશ રાખવામાં આવે છે, માટે અમે વિદ્યાર્થી સંગઠન રજૂઆત કરવા આવ્યા છીએ અને તમામ શાળામાં રાજ્ય સરકારના નિયમનું પાલન થાય અને 21 દિવસનું દિવાળી વેકેશન બાળકોને આપવામાં આવે તેની કાળજી લેવા રજૂઆત કરી છે, જો નહીં થાય તો ઉગ્ર વિરોધ કરવામાં આવશે.

જ્યારે વિદ્યાર્થીનેતા અને કોંગ્રેસના ઝોનલ પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતે આ અંગે જણાવ્યું હતું કે, થોડા દિવસ પહેલા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિતે જાહેરરજામાં ચાલુ સ્કૂલોને બંધ કરાવી હતી અને તે બાબતે જિલ્લા શિક્ષણ અધિકારી તમામ સ્કૂલોને શો કોઝ નોટિસ ફટકારી હતી. ફરી એક વખત દિવાળીના વેકેશન અંગે અમને વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓની ફરિયાદ મળી છે કે દિવાળી વેકેશન ટૂંકાવીને માત્ર 10 દિવસનું જાહેર કર્યું છે અને તે બાબતે તમે અમને મદદ કરો. માટે જિલ્લા શિક્ષણ અધિકારીને આ અંગે માહિતગાર કર્યા છે.  બોર્ડના ધો.10,12ના બાળકોને નજીકમાં પરીક્ષાઓ હોય તો તેનું શૈક્ષણિક કાર્ય ચાલુ રહે તેમાં અમારો કોઈ વાંધો કે વિરોધ નથી.