Site icon Revoi.in

ભારતમાં ઘટી રહી છે ગરીબોની સંખ્યા,છેલ્લા 5 વર્ષમાં 13.5 કરોડ ભારતીય ગરીબીમાંથી બહાર આવ્યા

Social Share

દિલ્હી :છેલ્લા પાંચ વર્ષમાં 13.5 કરોડ ભારતીયો ગરીબીમાંથી મુક્ત થયા છે અને 2015-16 અને 2019-21 વચ્ચે ગરીબોની સંખ્યા 24.85 ટકાથી ઘટીને 14.96 ટકા થઈ છે. નીતિ આયોગના ઉપાધ્યક્ષ સુમન બેરીએ સોમવારે અહીં “રાષ્ટ્રીય બહુપરીમાણીય ગરીબી સૂચકાંક: એક પ્રગતિ સમીક્ષા 2023” બહાર પાડ્યું. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2015-16થી 2019-21ના સમયગાળા દરમિયાન રેકોર્ડ 13.5 કરોડ લોકોને ગરીબીમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. આ પ્રસંગે નીતિ આયોગના સભ્ય ડો. વી.કે. પોલ, ડો.અરવિંદ વિરમાની અને મુખ્ય કાર્યકારી અધિકારી બી.વી.આર. સુબ્રમણ્યમ પણ હાજર હતા.

અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ગ્રામીણ વિસ્તારોમાં ગરીબી સૌથી ઝડપી દરે 32.59 ટકાથી ઘટીને 19.28 ટકા થઈ છે. આ રિપોર્ટ નેશનલ ફેમિલી હેલ્થ સર્વે NFHS-IV અને V (2015-16 અને 2019-21) પર આધારિત છે. રિપોર્ટ તૈયાર કરવા માટે પોષણ, બાળ અને કિશોર મૃત્યુદર, માતૃ આરોગ્ય, શાળામાં ભણવાના વર્ષો, શાળામાં હાજરી, રાંધણ ગેસ, સ્વચ્છતા, પીવાનું પાણી, વીજળી, આવાસ, સંપત્તિ અને બેંક ખાતાનો સમાવેશ કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર, ભારતમાં ગરીબોની સંખ્યા વર્ષ 2015-16માં 24.85 ટકા હતી અને તે વર્ષ 2019-2021માં વધીને 14.96 ટકા થઈ ગઈ છે, જેમાં 9.89 ટકાનો નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.

આ સમયગાળા દરમિયાન શહેરી વિસ્તારોમાં ગરીબી 8.65 ટકાથી ઘટીને 5.27 ટકા થઈ છે. તેની સરખામણીમાં ગ્રામીણ વિસ્તારોમાં ગરીબી સૌથી ઝડપી દરે 32.59 ટકાથી ઘટીને 19.28 ટકા થઈ છે. ઉત્તર પ્રદેશમાં 3.43 કરોડ લોકોને ગરીબીમાંથી મુક્ત કરવામાં આવ્યા, જે ગરીબોની સંખ્યામાં સૌથી મોટો ઘટાડો છે.

આ ઉપરાંત જે 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો અને 707 વહીવટી જિલ્લાઓ માટે ગરીબીનો અંદાજ પૂરો પાડે છે, તે દર્શાવે છે કે ગરીબોના પ્રમાણમાં તીવ્ર ઘટાડો ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, ઓડિશા અને રાજસ્થાનમાં થયો છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારત 2030ની સમયમર્યાદાથી ઘણું આગળ સહસ્ત્રાબ્દી વિકાસ લક્ષ્ય SDG હાંસલ કરવાના માર્ગ પર છે.

સરકારના પ્રયાસોએ સ્વચ્છતા, પોષણ, રાંધણગેસ, નાણાકીય સમાવેશ, પીવાનું પાણી અને વીજળીની પહોંચ સુધારવામાં પ્રગતિ કરી છે. પોષણ અભિયાન અને એનિમિયા મુક્ત ભારત જેવા ફ્લેગશિપ કાર્યક્રમોએ સ્વાસ્થ્યમાં રહેલા અંતરને ઘટાડવામાં ફાળો આપ્યો છે. સ્વચ્છ ભારત મિશન (SBM) અને જલ જીવન મિશન (JJM) જેવી પહેલોએ સમગ્ર દેશમાં સ્વચ્છતામાં સુધારો કર્યો છે.

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY) દ્વારા સબસિડીવાળા રાંધણ ગેસની જોગવાઈએ જીવનને સકારાત્મક રીતે બદલી નાખ્યું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY), પ્રધાનમંત્રી જન ધન યોજના (PMJDY) અને સમગ્ર શિક્ષા જેવી પહેલોએ પણ ગરીબી ઘટાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે.