Site icon Revoi.in

ધો-9થી 12ની પ્રથમ કસોટીનો ઓફલાઈન પ્રારંભઃ કોરોનાના ભય વિના વિદ્યાર્થીઓએ આપી પરીક્ષા

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેરનું જોર ઘટ્યા બાદ સરકાર દ્વારા નિયંત્રણો હળવા કરીને વેપાર-ધંધા શરૂ કરવામાં આવ્યાં છે. એટલું જ નહીં ધો-6થી 12 સુધીનું ઓફલાઈન શિક્ષણ પણ શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન આજથી ધો-9થી 12ની પ્રથમ કસોટીનો પ્રારંભ થયો હતો. ચાલુ વર્ષે ધો-1થી 12ની બોર્ડની પરીક્ષા યોજાઈ ન હતી. સરકાર દ્વારા તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. દરમિયાન લગભગ દોઢ વર્ષ બાદ આજથી ધો-9થી 12ની પરીક્ષાનો ઓફલાઈન પ્રારંભ થયો હતો. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કોરોનાના ભય વિના પરીક્ષા આપવા સ્કૂલ પહોંચ્યાં હતા. બીજી તરફ સ્કૂલ સંચાલકો દ્વારા કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર વિદ્યાર્થીઓને સ્કૂલમાં ઓફલાઈનની સાથે ઓનલાઈન એજ્યુકેશનનો વિકલ્પ આપવામાં આવ્યો હોવાથી મોટાભાગના વાલીઓ સંતાનોને સ્કૂલ મોકલવાને બદલે ઓનલાઈન એજ્યુકેશનને મહત્વ આપી રહ્યાં છે. પરંતુ પરીક્ષામાં ઓનલાઈનનો વિકલ્પ આપવામાં આવ્યો ન હતો. જેથી ધો-9થી 12ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા સ્કૂલ ગયાં હતા. પરીક્ષામાં સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તે રીતે બેઠક વ્યવસ્થા ગોઠવવા માટે ડીઈઓ કચેરી દ્વારા સૂચના આપવામાં આવી છે. ઉપરાંત 300 જેટલી સ્કૂલોએ પરીક્ષા માટે શિક્ષણ બોર્ડ દ્વારા સેટ કરાયેલા પેપરનો વિકલ્પ પસંદ કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકાર આગામી દિવસોમાં ધો-1થી 5ના ઓફલાઈન વર્ગો શરૂ કરવાનું વિચારી રહી છે. કોરોનાની ગાઈડલાઈનના પાલન સાથે સ્કૂલોમાં ધો-1થી 5ના વિદ્યાર્થીઓનું ઓફલાઈન એજ્યુકેશન શરૂ કરવામાં આવશે.

(Photo-File)