Site icon Revoi.in

ગુજરાત યુનિ, સંલગ્ન 8 ગ્રાન્ટેડ લો કોલેજોમાં એક વર્ગ સ્વનિર્ભર ધોરણે ચલાવાશે

Social Share

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન 8  જેટલી ગ્રાન્ટેડ લો કોલેજોમાં હવે એક જ વર્ગ ગ્રાન્ડેટ ધારણે ચાલશે. જ્યારે અન્ય વર્ગ સ્વનિર્ભર મોડલ પર ચલાવવાનો રહેશે. હાઇબ્રીડ મોડેલ પર ચલાવવાના વર્ગ માટે કોલેજ દ્વારા 10,000 રૂપિયા ફીની મંજૂરી માંગવામાં આવી હતી. જેની સામે ગુજરાત યુનિવર્સિટીએ 8000 રૂપિયા ફીની મંજૂરી આપી છે. જેથી ગ્રાન્ટેડ કોલેજમાં એક વર્ગની ફી ગ્રાન્ટેડ અને બીજા વર્ગની ફી ખાનગી કોલેજની ફી જેટલી રહેશે.

ગુજરાત યુનિવર્સિટીની મળેલી સિન્ડિકેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બેઠક ગ્રાન્ટેડ લૉ કોલેજોના વર્ગો હાઇબ્રીડ મોડલ પર ચલાવવાના માટે મળી હતી. આ બેઠકમાં છ સિન્ડિકેટ સભ્ય તથા કુલપતિ અને રજિસ્ટાર હાજર રહ્યા હતા.આ બેઠકમાં 8 કોલેજની ફી પર ચર્ચા કરવામાં આવી હતી. 8 કોલેજમાં હાઇબ્રીડ મોડ પર ચાલનારા વર્ગની 8000 રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે. જેથી હવે આગામી સમયમાં કોલેજમાં એડમિશન પ્રક્રિયા શરૂ થશે.આ ફી એક સેમેસ્ટરની રહેશે, જે હાલ એક વર્ષ પૂરતી રાખવામાં આવી છે.

ગુજરાત યુનિ.ની સિન્ડિકેટ બેઠક દરમિયાન ABVPના કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો. ABVPના કાર્યકરોએ માંગણી કરી હતી કે, ગુજરાત યુનિવર્સિટી કોલેજના ગ્રાન્ટેડ વર્ગો બંધ થઈ રહ્યા છે. નવા વર્ગ ચાલુ થશે, તો તે વર્ગમાં ફી ગ્રાન્ટેડથી સામાન્ય વધારે પરંતુ ખાનગી કોલેજથી ફી ખૂબ જ ઓછી હોવી જોઈએ. તો જ ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ એડમિશન લઈને ભણી શકશે.

અત્રે ઉલ્લેખનીય છે. કે, આ વખતે એલએલબીમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધુ છે. તેથી વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકાશે. લો ની ગ્રાન્ટેડ કોલેજોમાં  એક વર્ગ સ્વનિર્ભર ધોરણે ચલાવાશે.