Site icon Revoi.in

અમીરગઢ નજીક ટ્રક, ટ્રેલર અને કાર વચ્ચે ત્રિપલ અકસ્માતઃ એકનું મોત, ચારને ઈજા

Social Share

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતનું પ્રમાણ વધતું જાય છે. હજુ ગઈકાલે રાધનપુર ડીસા હાઈવે પર કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા બોના મોત નિપજ્યા હતા. જ્યારે આજે અમીરગઢ નેશનલ હાઈવે ભડથ પાટિયા નજીક ટ્રક, ટ્રેલર અને ઇકો કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યુ હતું, જ્યારે ચાર લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેમને સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતા. અકસ્માતના પગલે નેશનલ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ અકસ્માત એટલો ભયંકર હતો કે ટ્રક અને ટ્રેલર વચ્ચે ઇકો કાર સેન્ડવિચ બની ગઇ હતી. પતરાં ચીરીને મૃતદેહને બહાર કઢાયો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનું પ્રમાણ વધતું જાય છે. વાહનો બેફામ ગતિએ દોડતા હોવાથી અકસ્માતો વધતા જાય છે. જિલ્લાના અમીરગઢ નેશનલ હાઈવે  ભડથ પાટિયા નજીક ટ્રક, ટ્રેલર અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. ટ્રિપલ અકસ્માતની આ ગોઝારી ઘટનાથી પંથકમાં અરેરાટી સાથે ઘેરા શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. આ અકસ્માત બાદ જ હાઇવે ઉપર ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા હતા. આજુબાજુના લોકો તેમજ વાહનચાલકો ટ્રાફિક નિયંત્રણ કરવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. ઘટનાની જાણ અમીરગઢ પોલીસને થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક નિયંત્રણ કરાવ્યું હતું. ઇજાગ્રસ્તોને સારવાર માટે  હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યારે પતરા ચીરીને મૃતદેહને બહાર કાઢીને પીએમ અર્થે  પાલનપુર ખસેડાયો હતો.

પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે આ અકસ્માત ઓવરટેક કરવાની લહાયમાં સર્જાયો હતો.  આગળના વાહનએ બ્રેક મારતા ટ્રક અને ટ્રેલર વચ્ચે કાર સેંડવીચની જેમ દબાઈ ગઈ હતી.

 

Exit mobile version