Site icon Revoi.in

લીંબડી હાઈવે પર કાર અકસ્માતમાં એકનું મોત, STની બે બસ સામસામે ટકરાતા 10 પ્રવાસી ઘવાયાં

Social Share

લીંબડીઃ  અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે પર અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં લીબડીં નજીક બે જુદા જુદા અકસ્માતો સર્જાયા હતા. જેમાં એક અકસ્માત દેવપરાના પાટિયા પાસે સર્જાયો હતો, ઈકોકારનું ટાયર ફાટતાં કાર પલટી જતાં એક પ્રવાસીનું મોત અને 7 પ્રવાસીઓને ઈજાઓ થઈ હતી. જ્યારે બીજા અકસ્માતના બનાવમાં લીંબડી હાઈવે પર સર્કિટ હાઉસ પાસે એસટીની વોલ્વો બસ બાઈકને ટક્કર મારીને અન્ય બસ સાથે અથડાતા 10 જેટલા પ્રવાસીઓને ઈજાઓ થઈ હતી.

પ્રથમ અકસ્માતની વિગતો એવી છે. કે, લીંબડી હાઈવે પર દેવપરાના પાટિયા નજીક પૂરફાટ ઝડપે આવી રહેલી ઈકોકારનું ટાયર ફાટતાં કાર પલટી ખાઈને રોડ સાઈડ ઉતરી ગઈ હતી.  આ અકસ્માતની ઘટનામાં ઘટનાસ્થળે જ એકનું મોત નીપજ્યું હતુ. અને સાત જેટલા પ્રવાસીઓને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ દ્વારા લીંબડી સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા. આ અકસ્માતની ઘટનાના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થયા હતા. જ્યારે આ ઘટનાના પગલે લીંબડી અમદાવાદ હાઇવે ઉપર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જ્યારે આ ગોઝારા અકસ્માતની ઘટનાની જાણ થતાં લીંબડી પોલીસે તાકીદે ઘટનાસ્થળે પહોંચીને અકસ્માતનો ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

જ્યારે બીજા અકસ્માતની વિગતો એવી છે કે, લીંબડી શહેર નજીકથી પસાર થતા 6 લાઈન રોડનું મોટાભાગનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. પરંતુ લીંબડી હાઈ-વે પર સર્કિટ હાઉસ સામે દોઢેક વર્ષથી ડાયવર્ઝન આપી નાળુ અને રોડ બનાવવાનું કામ શરૂ છે. જેના કારણે સર્કિટ હાઉસ સામે રોડ સાંકડો થઈ જાય છે. લીંબડીના નટવરગઢ ગામનો જયપાલ રાયમલભાઈ સર્કિટ હાઉસ સામે બાઈક લઈ જઈ રહ્યો હતો. તે સમયે રાજકોટથી અમદાવાદ જતી એસટીની વોલ્વો બસ ત્યાંથી પસાર થઈ હતી. બાઈકને ટક્કર મારી વોલ્વો સામેથી આવતી દાહોદ-ધ્રોલ એસટી બસ સાથે અથડાઈ હતી. જેમાં 10 પ્રવાસીઓને ઈજાઓ થઈ હતી.. આ અકસ્માતમાં બન્ને એસટી બસમાં મુસાફરી કરી રહેલા 79 મુસાફરોના જીવ તાળવે ચોટી ગયા હતા. અકસ્માતના બનાવની જાણ થતાં પીએસઆઈ બી.કે.મારૂડા, ચંદુભાઈ બાવળિયા, પુષ્પરાજસિંહ રાણા, હરૂભા ઝાલા સહિતના બનાવના સ્થળે દોડી આવ્યા હતા.