Site icon Revoi.in

ગુજરાતમાં બોર્ડ-નિગમોના ચેરમેન-ડિરેક્ટર માટે કાર્યકર્તાઓ પાસેથી ઓનલાઈન બાયોડેટા મંગાવાયા

Social Share

અમદાવાદઃ ગુજરાત ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓને બોર્ડ-નિગમમાં નિમણુંક કરવાની ચર્ચા ઘણા સમયથી ચાલી આવે છે. કહેવાય છે કે જે ધારાસભ્યોને આગામી ચૂંટણીમાં ટિકિટ આપવાની નથી તેમને બોર્ડ-નિગમમાં સ્થાન આપવામાં આવે તેવી શક્યતા છે, જ્યારે કેટલાક કાર્યકર્તાઓને પણ બોર્ડ નિગમમાં સભ્ય તરીકે સ્થાન આપવામાં આવશે. બોર્ડ નિગમોના ચેરમેન-ડિરેક્ટરની ખાલી જગ્યા ભરવા માટે ગુજરાત ભાજપ દ્વારા બાયોડેટા મંગાવવામાં આવી રહ્યા છે. જેમાં ઓનલાઈન ફોર્મ મોકલી જે તે આગેવાનોને ભરવા માટે જણાવવામાં આવ્યું છે, જેના આધારે આગામી દિવસોમાં બોર્ડ નિગમોમાં નવી નિમણુકો કરવામાં આવે તેવી શકયતા છે. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે, તેવા સમયે સરકારે બોર્ડ નિગમોના કેટલાક ચોક્કસ ચેરમેન અને ડિરેક્ટરને હટાવી દેવામાં આવ્યા છે. તેમના સ્થાને નવી નિમણુક કરવાની પ્રક્રિયા શરૂ કરી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ બોર્ડ-નિગમોમાં નિમણુકો પહેલા ભાજપે તમામ બોર્ડ-નિગમોના પદાધિકારીઓના રાજીનામાં માગ લેવાયા હતા. એટલે હાલ તમામ બોર્ડ નિગમોમાં ચેરમેન-ડિરેક્ટરોની જગ્યાઓ ખાલી છે. હવે ભાજપે કોર્પોરેટ સ્ટાઈલ અપનાવીને નેતાઓ અને કાર્યકર્તાઓ પાસે અરજીઓ મંગાવી છે. કહેવાય છે. કે, જે ધારાસભ્યોને રિપિટ કરવાના નથી તેમને પણ અરજી કરવાનું કહી દેવામાં આવ્યુ છે. આ પ્રક્રિયામાં સીધી જ નિમણૂક કરવાને બદલે કોર્પોરેટ કંપનીની સ્ટાઇલથી બાયોડેટા ઉપરાંત તેમની પાસેથી ઓનલાઈન ફોર્મ ભરાવવામાં આવી રહ્યા છે, ખાસ કરીને બોર્ડ નિગમ ની નિમણુક માટેના સંભવિત આગેવાનોને ભાજપ પ્રદેશ કાર્યાલયથી ઓનલાઈન ફોર્મ મોકલવામાં આવ્યા છે,  જેમાં તેમની પ્રોફાઈલ સાથેની વિગતો લેવામાં આવી રહી છે. આ ઓનલાઈન ફોર્મની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ભાજપના પ્રદેશ નેતાઓ ચેરમેન અને ડીરેક્ટરની નિમણુક કરશે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, તાજેતરમાં જ સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં હોદ્દા પર ચોંટી ગયેલા બોર્ડ નિગમના ચેરમેન અને ડેપ્યુટી ચેરમેનો પાસેથી રાજીનામાં લઈ લેવાયાં હતાં. બોર્ડ નિગમમાં નિમણૂંક કરવા માટે સક્ષમ ઉમેદવારોની પસંદગી કરવા કવાયત હાથ ધરાઈ છે. જેના ભાગરૂપે જિલ્લા અને શહેર પ્રમુખો, બોર્ડ નિગમના ચેરમેન માટે ત્રણ નામો અને ડિરેક્ટર માટે 10 નામોની યાદી મંગાવાઈ છે. સક્ષમ ઉમેદવારનું નામ, જ્ઞાતિ, પક્ષના કયા હોદ્દા પર કયા પ્રકારની કામગીરી કરી છે તેની વિગતો સુદ્ધાં મંગાવવામાં આવી છે. એટલે કે રાજકીય કુંડળીને આધારે બોર્ડ નિગમમાં નિમણૂંકો કરવામાં આવશે.

સૂત્રોએ ઉમેર્યુ હતું કે, વિધાનસભામાં ટિકીટના દાવેદારોની સંખ્યામાં ઘટાડો કરવા ભાજપે નવી ફોર્મ્યુલા અપનાવી છે. બોર્ડ નિગમમાં સમાવીને ટિકીટના દાવેદારોને સાચવી લેવામાં આવશે. આ ઉપરાંત સિનિયર નેતાઓને પણ સમાવીને નારાજગી ઠારવાની રણનીતિ પણ નક્કી કરી લેવાઈ છે. પક્ષ કે સરકારમાં ના હોય તેવા નેતાઓને પ્રથમ તક આપવામાં આવી શકે છે. બોર્ડ નિગમમાં ચેરમેન ઉપરાંત ડિરેક્ટરને સારૂ પર્ફોમન્સ દેખાડવું પડશે. કારણ કે પક્ષ દ્વારા તેમને ટાર્ગેટ આપવામા આવશે. બોર્ડ નિગમમાં નિમણૂંક માટે કુલ 100થી વધુ નેતાઓની યાદીને ટુંક સમયમાં આખરી ઓપ આપી દેવાશે.