Site icon Revoi.in

રાજકોટમાં મ્યુનિ.સંચાલિત ત્રણ લાયબ્રેરીમાં UPSC, GPSCના ઓનલાઇન વીડિયો કોર્સ શરૂ કરાશે

Social Share

રાજકોટઃ ગુજરાતમાં વિદ્યાર્થીઓ યુપીએસસીની પરીક્ષામાં સ્કોર મેળવવા માટે ખૂબ મહેનત કરતા હોય છે. અને કેટલાક વિદ્યાર્થીઓ યુપીએસસીની સ્પર્ધાત્મક પરીક્ષામાં સારો સ્કોર મેળવીને ભારતીય સેવામાં જોડાઈ રહ્યા છે. યુપીએસસીની પરીક્ષા માટે વિદ્યાર્થીઓને ઘણાબધા મટિરિયલ્સની જરૂર પડતી હોય છે. તેમજ યોગ્ય માર્ગદર્શનની પણ જરૂર પડે છે. આથી રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરમાં ત્રણ લાયબ્રેરીમાં યુપીએસસી માટે ઓનલાઈન વિડિયો કોર્ષ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજકોટ મ્યુનિની સ્ટેન્ડીંગ કમિટીની  મળેલી બેઠકમાં અલગ અલગ કામોની 36 દરખાસ્ત મંજુર કરી 31.49 કરોડના ખર્ચને બ્હાલી આપવામાં આવી હતી. આ અંગે સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કર પટેલે જણાવ્યું હતું કે, દરખાસ્ત મુજબ આજી રિવરફ્રન્ટ અને રામનાથ મંદિર ડેવલોપમેન્ટ માટે રૂ.187 કરોડની ગ્રાન્ટ મેળવવા માટેની દરખાસ્ત સર્વાનુમતે મંજુર કરવામાં આવી હતી. આ ઉપરાંત 36 દરખાસ્તનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો હતો. વોર્ડ નં. 3માં ફ્લાવર બેડ ટાઈપના રોડ ડિવાઈડર માટે 29.91 લાખ, કોટેચા સ્કૂલ રોડ ઉપર ડામર કાર્પેટ કરવાના 1.33 કરોડ, 150 ફૂટ રીંગ રોડ પર મોદી સ્કૂલથી સોજીત્રાનગર સુધી 508મીમી વ્યાસની નવી પાઈપલાઈન નાખવા માટે 2.22 કરોડ, વોર્ડ નં. 2માં હાઈરાઈઝ એપાર્ટમેન્ટમાં મેયરની ગ્રાન્ટમાંથી 120 લીટર કેપેસીટીના ડસ્ટબીન વિનામુલ્યે આપવા માટે રૂા. 99 હજાર, તેમજ રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીઓના પોતાના અથવા પુત્ર-પુત્રીઓના પ્રસંગ માટે કોમ્યુનિટી હોલ રિઝર્વ રાખવા સહિતની દરખાસ્ત મંજુર કરવામાં આવી હતી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગર પાલિકા દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં વાંચનપ્રેમીઓ માટે અલગ-અલગ આઠ લાઇબ્રેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે. વોર્ડ નં.6માં નવી અદ્યતન લાઇબ્રેરી નિર્માણ પામી રહી છે. આઠ લાઇબ્રેરીમાં આશરે 32 હજાર સભ્યો છે. તમામ લાઇબ્રેરીમાં આશરે 835 બેઠક વ્યવસ્થા છે. દરમિયાન મ્યુનિ.કોર્પોરેશનની ત્રણ લાઇબ્રેરીમાં યુપીએસસી,  જીપીએસસી અને રાજ્ય સરકારની વર્ગ-3ની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઓનલાઇન વીડિયો કોર્સ શરૂ કરવામાં આવશે.

રાજકોટ શહેરમાં મુખ્ય માર્ગોને જોડતા નાના નાળાઓની જગ્યાએ મોટા બ્રીજ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આથી જડુસ સર્કલ બાદ આવતા મોટા મવા બ્રીજને પહોળો કરવામાં આવશે. તેમજ નાનમવા મેઈન રોડ ઉપર આવતા ભીમનગરથી મોટા મવા સુધીના માર્ગ ઉપર નવો બ્રીજ બનાવવામાં આવશે. બન્ને બ્રીજનો ખર્ચ આજની સ્ટેન્ડીંગમાં મંજુર કરાવમાં આવ્યો હતો