Site icon Revoi.in

રાજ્યના જળાશયોમાં પાણીનો માત્ર 22.90 ટકા જથ્થો, વરસાદ ખેંચાશે તો વિકટ સ્થિતિ સર્જાશે

Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં અષાઢી બીજ પહેલા જ મેઘરાજાનું આગમન થઈ ગયું છે. પરંતુ મેઘરાજા હજુ મન મુકીને વરસ્યા નથી. વરસાદના છૂટા-છવાયા વરસાદના ઝાપટાં પડી રહ્યા છે. ત્યારે રાજ્યના જળાશયોમાં માત્ર 22.90 ટકા જ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. હવે જો વરસાદ ખેંચાશે તો પાણીની વિકટ સ્થિતિ સર્જાશે. જો કે હવામાન વિભાગે સપ્તાહમાં ભારે વરસાદની આગાહી કરી છે

ગુજરાતમાં ધીમી ગતીએ ચોમાસુ જામી રહ્યું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાની મહેરબાની થતાં ખેડૂતોને રાહત થઈ છે. જોકે રાજ્યના અનેક તાલુકાઓ હજી પણ વરસાદથી વંચિત છે. મેઘરાજા હજુ મન મુકીને વરસતા નથી. રાજ્યમાં ઘણાબધા તાલુકાઓમાં ટેન્કરોથી પાણી પહોંચાડવાની નોબત આવી છે. ત્યારે રાજ્યમાં હાલમાં વાપરવા લાયક પાણીનો જથ્થો માત્ર 22.09 ટકા જ બચ્યો છે. જો વરસાદ ખેંચાય તો રાજ્યમાં ઉત્તર ગુજરાત અને કચ્છમાં પાણીની વિકટ સ્થિતિનો સામનો કરવો પડી શકે છે. હવે ચોમાસુ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. ત્યારે પાણીની સમસ્યા પણ દુર થશે એવી ખેડૂતોમાં આશા છે. રવિવારે રાજયના 23 ગામોમાં 17 ટેન્કરો મારફતે 63 ફેરા મારીને પાણી પહોંચાડાયું હતું. ઉપરાંત રાજ્યમાં ઘણાબધા ખેડુતોએ આગોતરા વાવણી કરી દીધી છે. હવે વરસાદ ખેંચાશે તો ખેડુતોનો ખર્ચ માથે પડશે.

રાજ્યના નર્મદા વિભાગના રીપોર્ટ પ્રમાણે ઉત્તર ગુજરાતના અરવલ્લીમાં 3.06 ટકા, સાબરકાંઠામાં 3.54 ટકા, બનાસકાંઠામાં 4.99 ટકા અને મહેસાણાના જળાશયોમાં 7.74 ટકા પાણી બચ્યું છે. તે ઉપરાંત બનાસકાંઠા જિલ્લામાં પીવાના પાણીની સ્થિતિ એટલી હદે કફોડી થવા પામી છે. કે, લોકોએ આંદોલન કરવું પડ્યું છે. બીજી તરફ પશુઓ માટેના ઘાસચારાની પણ અછત વર્તાઈ રહી છે. તે ઉપરાંત સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ થયો હોવા છતાં જળાશયોમાં તળિયા ઝાટક સ્થિત છે. બોટાદમાં 1.21, દ્વારકામાં 1.8, સુરેન્દ્રનગરમાં 12.65, જામનગરમાં 10.41, જૂનાગઢમાં 15.86 અને મોરબીમાં 15.44 ટકા પાણીનો જીવંત જથ્થો બચ્યો છે. ગત ચોમાસાની સરખામણીએ આ વખતે વરસાદ ખેંચાયો છે. જેના કારણે રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં પાણીનો કકળાટ વધ્યો છે.

દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજયમાં ચોમાસુ આગળ વધી રહ્યું છે, જેને કારણે આગામી 5 જુલાઇ સુધી અમદાવાદ સહિત રાજ્યમાં ઝાપટાંથી માંડી ભારે વરસાદ પડવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં ભારે જયારે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદી ઝાપટાથી લઇને હળવો વરસાદ પડવાની શક્યતા હોવાથી ગરમી અને બફારાથી રાહત મળે તેવા સંકેતો પ્રાપ્ત થયાં છે. (file photo)