Site icon Revoi.in

ગુજરાતના 207 જળાશયમાં માત્ર 42.95 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ, જળ સંકટ નહી સર્જાય

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ગત ચોમાસા દરમિયાન સારા વરસાદને કારણે તમામ જળાશયોમાં પાણીની સારી એવી આવક થઈ હતી. ઉનાળો પૂર્ણ થવાની તૈયારીમાં છે, અને ચોમાસાને હજુ દોઢ મહિના જેટલો સમય બાકી છે. ત્યારે ગુજરાતના 207 જળાશયોમાં 42.95 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. એટલે જો વરસાદ સમયસર આવશે. તો પાણીની મુશ્કેલી નહીં પડે, પુરંતુ જો ચોમાસાના આગમનમાં વિલંબ થશે. તો કેટલાક વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા ઊભી થશે.

ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી કાળઝાળ ગરમીનો લોકો સામનો કરી રહ્યા છે. ઉનાળાના અસહ્ય તાપમાનને લીધે પાણીનો વપરાશ પણ વધતો જાય છે. દરમિયાન ખેડુતોની માગ મુજબ જળાશયોમાંથી સિંચાઈ માટેનું પાણી પણ આપવામાં આવી રહ્યુ છે. એટલે ઘણા જળાશયોમાં વોટર લેવલ તળિયે પહોંચી ગયું છે. કાળઝાળ ગરમી વચ્ચે જળાશયોનું ઘટતુ જતુ જળસ્તર ચિંતાજનક છે. ગુજરાતના ડેમોની આ તળિયાઝાટક સ્થિતિથી મોટા જળ સંકટના ભણકારા વાગે છે. ગુજરાતના 207 જળાશયમાં માત્ર 42.95 ટકા પાણી બચ્યું છે.

સિંચાઈ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ  ઉત્તર ગુજરાતના 15 જળાશયમાં માત્ર 35.87 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જ્યારે મધ્ય ગુજરાતના 17 જળાશયમાં માત્ર 35.99 ટકા અને દક્ષિણ ગુજરાતના 13 જળાશયમાં 47.46 ટકા પાણી ઉપલબ્ધ છે. સૌરાષ્ટ્રના 141 જળાશયમાં માત્ર 23.43 ટકા પાણી બચ્યું છે. તો ગુજરાતની જીવાદોર સમા સરદાર સરોવરમાં 47.74 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. તેમજ કચ્છના 20 જળાશયમાં 31.77 ટકા પાણીનો જથ્થો બચ્યો છે. દેવભૂમિ દ્વારકાના જળાશયોમાં તો માત્ર 4.03 ટકા પાણી ઉપલબ્ધ છે. આટલા ઓછા પાણીમાં કેવી રીતે ઉનાળો નીકળશે. તે પ્રશ્ન સતાવી રહ્યો છે. ચોમાસું આવવાને રાહ છે આવામાં દિવસો પાણી વગર કેવી રીતે પસાર થશે.

ગુજરાતના 3 ડેમમાં 90 ટકાથી વધારે પાણી છે. તો અન્ય 1 ડેમમાં 80થી 90 ટકા પાણીનો જથ્થો છે. બાકીના 2 ડેમમાં 70થી 80 ટકા પાણીનો જથ્થો બચ્યો છે. પરંતુ તે સિવાયના ડેમોની વાત કરીએ તો સ્થિતિ ચિંતાજનક છે. ગુજરાતના 200 ડેમમાં 70 ટકાથી ઓછું પાણી છે. બોટાદ જિલ્લામાં ગઢડા તાલુકામા લીંબાળી, માલપરા, ગઢાળી ડેમ આવેલા છે. આ ડેમોથી મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોને ખેતી માટે અને પીવાના પાણી પુરૂ પાડવામાં આવે છે. પરંતુ હાલ ડેમમાં પાણી નહિવત છે. લીંબાળી ડેમમા લાઈવ સ્ટોરેજ 245 એેમસીએફટી પાણીની ક્ષમતા ધરાવે છે, પરંતુ હાલ ૫૫. 96 એમસીએફટી એટલે કે 32 ટકા પાણી છે. જ્યારે માલપરા ડેમની લાઈવ સ્ટોરેજ 225 એમસીએફટીની ક્ષમતા છે, પરંતુ હાલ 11.18  એમસીએફટી એટલે કે 5 ટકા પાણી છે. હાલ આ ડેમોમાં સરકારની પાણી આપવાની કોઈ યોજના શરૂ નથી. પરંતુ લીંબાળી ડેમમાં 33  ટકા પાણી છે, જો ખેડુતો પાણીની માંગણી કરે તો પાણી આપવાની વિચારણા કરાશે તેમ નાયબ કાર્યપાલકે જણાવ્યુ હતું.

મહીસાગરના ખાનપુર તાલુકામાં આવેલ  ડેમ પણ ખાલીખમ થઈ ગયો છે. ભર ઉનાળે  ડેમના જળ સ્તરમાં ઘટાડો થયો છે.  ડેમના જળ સ્તરમાં ઘટાડો થતા પાણી છોડવાના ગેટથી પણ પાણીનું સ્તર નીચે ગયું છે. ગરમીના પ્રકોપથી ડેમનું પાણી સૂકાઈ ગયું છે.  ડેમમાં હાલ માત્ર 8.23% પાણી બચ્યું છે.