Site icon Revoi.in

શ્રેષ્ઠ શાળાઓને એવોર્ડ આપવાની જાહેરાત પણ અમદાવાદની માત્ર એક જ સ્કૂલે ભાગ લીધો

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓને શિક્ષણની ગુણવત્તા, મેળવેલા પરિણામ અને ઈન્ફાસ્ટ્રકચર સુવિધાઓનું મૂલ્યાંકન કરીને એવોર્ડ આપવામાં આવતો હોય છે, આ માટે અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા દરેક સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓને પરિપત્ર મોકલવામાં આવ્યો હતો પરંતુ ગત તા. 8મી ફેબ્રુઆરી સુધીની અંતિમ તારીખ સુધીમાં માત્ર એક જ સ્કુલે પોતાની દાવેદારી નોંધાવી હતી. એટલે કે અમદાવાદ જિલ્લાના ગ્રાન્ટેડ શાળા સંચાલકોને એવોર્ડ મેળવવામાં કોઈ રસ હોય તેમ લાગતું નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ શ્રેષ્ઠ સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોને એવોર્ડ આપવાની જાહેરાત શિક્ષણ વિભાગે કરી હતી. પરંતુ અમદાવાદ શહેરની એકપણ સ્કૂલે અરજી કરી નથી, જ્યારે અમદાવાદ ગ્રામ્યમાંથી એકમાત્ર ઘાટલોડિયાની જ્ઞાનદા સ્કૂલે એવોર્ડ માટે દાવેદારી નોંધાવી છે. એવોર્ડમાં ભાગ લેવા માટે સ્કૂલોને જિલ્લા કક્ષાએ 8 ફેબ્રુઆરી સુધીમાં દાવેદારી સાથે પોતાની ફાઇલ જમા કરાવવાની હતી. શહેર ડીઇઓએ તમામ સરકારી- ગ્રાન્ટેડ સ્કૂલોને પરિપત્રે કરી શ્રેષ્ઠ સ્કૂલ એવોર્ડ માટે દાવેદારી કરવા કહ્યું હતું. પરંતુ 8 ફેબ્રુઆરીએ છેલ્લી તારીખ પછી શહેરની એકપણ સ્કૂલે અરજી કરી નહીં. એક તરફ ગ્રાન્ટેડ સ્કૂલોના સંચાલકો દ્વારા ગ્રાન્ટ વધારવા માટે વારંવાર રજૂઆત કરવામાં આવે છે. પરંતુ જ્યારે શિક્ષણ વિભાગ 5 લાખ સુધીના રોકડ ઇનામની જાહેરાત કરી છે ત્યારે ગ્રાન્ટેડના સંચાલકોને દાવેદારી નોંધાવવા માટે પણ રસ નથી.

શાળા સંચાલક મંડળના સૂત્રોએ જણાવ્યું હતું કે, શ્રેષ્ઠ સ્કૂલના એવોર્ડ માટેનાં જે ધોરણો નક્કી કરાયા છે, તે  સ્કૂલો પૂરા કરી શકે તેમ નથી. ખાસ કરીને શહેરી વિસ્તારમાં છેલ્લા 3 વર્ષનું પરિણામ 75 ટકાથી વધારે મગાયું છે. એવોર્ડ માટે વિવિધ સુવિધાઓ હોવી જોઇએ તે સ્કૂલો પૂરી કરી શકે તેમ નથી.

 

Exit mobile version