Site icon Revoi.in

રાજધાની દિલ્હીમાં ભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ જારીઃ વર્ષ 2003 પછી જુલાઈ મહિનાનો સૌથી વધુ વરસાદ નોંધાયો

Social Share

 

દિલ્હીઃ સમગ્ર દેશભરના પહાડી રાજ્યોથી લઈને મેદાની વિસ્તારોમાં વરસાદે કહેર ફેલાવ્યો છે, ખાસ કરીને હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુકાશ્મીરમાં છેલ્લા કેટલાક દિવસથી વરસી રહેલા વરસાદને પગલે જનજીવન ખોરવાયું છે,તો બીજી તરફ તેની અસર દેશની રાજધાની દિલ્હીમાં પણ જોઈ શકાય છે.

દેશના હવામાન વિભાગે બુધવારે દિલ્હીમાં ભારે વરસાદ માટે  ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની ચેતવણી સહીત રસ્તાઓ પર ટ્રાફિકની સમસ્યાની માહિતી આપી છે. હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે ચોમાસાના કારણે દિલ્હીમાં એક અઠવાડિયા સુધી હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

ઉલ્લેખનીય છે કે, 15 મીમીથી ઓછા વરસાદને હલકી માનવામાં આવે છે, 15 થી 64.5 મીમીની વચ્ચે પડતા વરસાદને મધ્યમ ગણવામાં આવે છે, 64.5 થી 115.5 મીમીની વચ્ચે પડતા વરસાદને ભારે માનવામાં આવે છે, 115.6 અને 204.4 મીમીની વચ્ચે પડતા વરસાદને ભારેથી ભારે વરસાદ માનવામાં આવે છે. જ્યારે, 204.4 મીમીથી વધુ વરસાદને અત્યંત ભારે વરસાદ તરીકે ગણવામાં આવે છે.

દેશની રાજધાની દિલ્હીમાં આ મહિનામાં અત્યાર સુધીમાં 386.3 મીમી વરસાદ થયો છે, જે સામાન્ય 190.4 મીમી કરતા 103 ટકા વધારે છે. 2003 પછી જુલાઈમાં આ સૌથી વધુ વરસાદ છે.

હવામાન વિભાગના પ્રેસિડેન્ટ મહેશ પાલાવતે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોમાં વરસાદના દિવસોની સંખ્યામાં ઘટાડો થયો છે. તેમણે કહ્યું કે શહેરોમાં ઓછા સમયમાં વધુ વરસાદ પડી રહ્યો છે. પહેલાં તે ત્રણથી ચાર દિવસમાં 100 મીમી વરસાદ પડતો હતો,જ્યારે હાલ આપણે ફક્ત પાંચ-છ કલાકમાં આટલો રેકોર્ડ વરસાદ  નોંધ્યો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આવા વરસાદથી ભૂગર્ભ જળ સંચય કરવામાં મદદ મળશે નહીં અને નીચાણવાળા વિસ્તારોમાં પૂર આવી શકે છે. જો ચારથી પાંચ દિવસ સુધી થોડોક વરસાદ પડે તો પાણી જમીનમાં જતું રહે છે. ભારે વરસાદની સ્થિતિમાં પાણી ઝડપથી બહાર વહી જાય છે.