Site icon Revoi.in

અમદાવાદમાં ધારાસભ્યોની ગ્રાન્ટમાંથી બાકી રહેલા કામો 30 જૂન પહેલાં શરૂ કરી દેવા આદેશ

Social Share

અમદાવાદઃ શહેરમાં કોરોનાનો પ્રથમ અને બીજો વેવ દરમિયાન મ્યુનિ. કોર્પોરેશનનું તંત્ર વ્યસ્થ બની જતાં વિકાસ કામો ખોરંભે પડી ગયા હતા. વર્ષ 2019થી શહેરમાં ધારાસભ્યોની ગ્રાન્ટમાંથી થતા વિકાસના કામો અટકી પડ્યા હતા. હવે કોરોનાનો કહેર હવે ઓછો થતા શહેરમાં ફરી કામો શરૂ કરી ઝડપથી પૂર્ણ કરવાની કામગીરી કરવા મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લાનિંગ ખાતા દ્વારા તમામ વિભાગોને જાણ કરવામાં આવી છે. વર્ષ 2018-19 અને વર્ષ 2019-20ના ધારાસભ્યોની ગ્રાન્ટના તમામ કામોની વહીવટી મંજૂરી બાકી હોય અથવા કામો બાકી હોય તો 31 જુલાઈ 2021 સુધીમાં પૂરા કરી ચુકવણી કરવા આદેશ આપ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં 14 વિધાનસભા વિસ્તારમાં ધારાસભ્યોએ સૂચવેલા વિકાસ કામોની વહીવટી મંજૂરી બાકી હોય તો પૂર્ણ કરવા અંગે મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લાનિંગ વિભાગના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા તમામ વિભાગને  જાણ કરવામાં આવી છે.  જેમાં વર્ષ 2018-19 અને વર્ષ 2019-20માં ફાળવવામાં આવેલી ગ્રાન્ટ હેઠળ કામો શરૂ કરવાની મુદત 30 જૂન 2021 છે, જ્યારે કામો પૂર્ણ કરી પેમેન્ટ કરવાની મુદત તા.31 જુલાઈ 2021 છે.

આ અંગે સરકારે અગાઉ પરિપત્ર કરી જાણ કરી છે છતાં કામો બાકી રહ્યા છે જેથી 14 વિધાનસભા વિસ્તારમાં વહીવટી મંજૂરી સંબધિત અમલીકરણ વિભાગમાંથી આપવાની મંજૂરી બાકી હોય તો મંજૂરી આપી 30 જૂન પહેલા કામો શરૂ કરવા જણાવ્યું છે. વિધાનસભા વિસ્તારમાં જરૂરી પ્રમાણપત્ર બનાવી ઓથોરિટીને મોકલવી, વહીવટી મંજૂરી મળી હોય તો 30 જૂન પહેલા કામ શરૂ કરવા અને 31 જુલાઈ સુધી કામો પૂર્ણ કરી, પેમેન્ટ કરી અને વર્ક કમ્પ્લીશન સર્ટિફિકેટ આપવા આદેશ કર્યો છે. તમામ કામોમાં મુદત વધારો મળશે નહીં તેવું પણ કહી દેવાયું છે.