Site icon Revoi.in

ગુજરાતના યુવાઓ માટે રાજ્યભરમાં Y-20 (Youth 20)નું આયોજન

Social Share

અમદાવાદઃ ગુજરાતના યુવાઓ માટે રાજ્યભરમાં Y-20 (Youth 20)નું ભવ્ય આયોજન કરવામાં આવનાર છે. રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આગામી તા. ૨૭મી એપ્રિલે અમદાવાદ શહેર ખાતેથી ‘Y-20 ગુજરાત સંવાદ’ કાર્યક્રમનો ભવ્ય શુભારંભ કરાવશે. આ કાર્યક્રમમાં સક્રિયતાથી ભાગ લેવા માટે આજે ગાંધીનગર ખાતેથી યુવક સેવા, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મંત્રી  હર્ષ સંઘવી દ્વારા એક ખાસ મોબાઇલ નંબર જાહેર કરવામાં આવ્યો છે, જેમા મિસ કોલ કરીને રજીસ્ટ્રેશન કરી શકાશે. તે ઉપરાંત ‘Y-20 ગુજરાત સંવાદ’ કાર્યક્રમના પોસ્ટરનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યુ છે.

યુવક સેવા, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસો તથા દૂરંદેશી નેતૃત્વ થકી G-20નું પ્રતિનિધિત્વ ભારત કરી રહ્યું છે તે માત્ર ગુજરાત માટે જ નહિ, પરંતુ સમગ્ર દેશ માટે ગર્વની વાત છે. તેમણે ઉમેર્યુ કે, G-20ને પરિણામે B-20, Y-20 સહિત વિવિધ ગ્રુપના મહત્વના વિષયોની ચર્ચા તથા આવનારા વર્ષોના બેસ્ટ વિઝન માટે બેઠકો યોજી તેના આયોજન માટે ગુજરાતમાં અનેક કાર્યક્રમો યોજવાના અવસર પ્રાપ્ત થયા છે. તેને કારણે જ મહત્વના વિષયો પર મહત્વપૂર્ણ નિર્ણય લેનાર મહાનુભાવો આજે ગુજરાતના મહેમાન બન્યા છે. G-20 થકી ગુજરાતના લોકો, ગુજરાતનો વિકાસ અને ગુજરાતની સંસ્કૃતિને જાણવાનો પણ આ મહાનુભાવોને અવસર પ્રાપ્ત થયો છે.

મંત્રીએ વધુમાં કહ્યુ કે, ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની તથા માર્ગદર્શનમાં ગુજરાતના વધુને વધુ યુવાઓ Youth-20ના ગુજરાત સંવાદ કાર્યક્રમમાં જોડાય તે માટે આયોજનો કરવામાં આવ્યા છે. જેના થકી રાજ્યના યુવાનોને દેશ માટે જરૂરી મંતવ્યો આપી દેશના વિકાસમાં સહભાગી થવાનો મોકો મળશે. રાજ્યના પાંચ લાખથી વધુ યુવાનોને જોડવામાં આવશે.

રાજ્યના દરેક તાલુકા, નગરપાલિકા અને શહેરોના યુવાનો ભાગ લે અને છેવાડાના યુવા સુધી પહોંચી શકાય તે મુજબ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યમાં ૧૦૫ નગરપાલિકા, ૨૨૫ તાલુકા અને ૮ મહાનગરપાલિકા મળી કૂલ ૩૩૮ સ્થળોએ આ કાર્યક્રમના આયોજન કરવામાં આવ્યા છે અને આ કાર્યક્રમો ૪૫ દિવસ સુધી ચાલશે.

હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યુ કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી, અંબાજી મંદિર, સોમનાથ મંદિર, વિલ્સન હિલ, કચ્છનું સફેદ રણ, પોલો ફોરેસ્ટ, છોટાઉદેપુરના ડુંગર વિસ્તારો, દાંડી સત્યાગ્રહ સ્થળ, મોઢેરાનું સૂર્યમંદિર, જાંબુઘોડાના કુદરતી સૌંદર્ય વિસ્તારો જેવા ગુજરાતના વિવિધ લોકપ્રિય સ્થાનો પર વિશિષ્ટ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ ઝોન મુજબ થશે જેમાં સૌપ્રથમ દક્ષિણ ઝોન અને ત્યારબાદ તબક્કાવાર મધ્ય ઝોન, ઉત્તર ઝોન અને સૌરાષ્ટ્ર ઝોનમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.