Site icon Revoi.in

સરકારી કચેરીઓમાં આઉટસોર્સથી કામ કરતા કર્મચારીઓને નવા લઘુત્તમ વેતન મુજબ પગાર મળશે

Social Share

ગાંધીનગરઃ  ગુજરાતની સરકારી કચેરીઓમાં કર્મચારીઓની તંગીને લીધે આઉટસોર્સથી અને કોન્ટ્રાક્ટથી કર્મચારીઓની સેવા લેવામાં આવે છે. આઉટસોર્સથી હજારો કર્મચારીઓ કામ કરી રહ્યા છે. કોન્ટ્રાક્ટરો દ્વારા સરકાર પાસેથી કર્મચારી દીઠ પુરતા નાણા વસુલવામાં આવતા હોય છે. પરંતુ કર્મચારીઓને પુરતા નાણા નહીં આપીને કોન્ટ્રાક્ટરો દ્વારા શોષણ કરવામાં આવતું હોવાની ફરિયાદો ઉઠી હતી. ત્યારે તાજેતરમાં રાજ્ય સરકારે લઘુતમ વેતન દરોમાં કરાયેલા સુધારા બાદ નવા દર પ્રમાણે આઉટસોર્સિગ કર્મચારીઓને પગાર ચૂકવવા માટે શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા તમામ એજન્સીઓને તાકીદ કરવામાં આવી છે. આ સાથે કર્મચારીઓને ઇએસઆઇ, પીએફની જોગવાઇઓનું પાલન કરવાનો પણ  આદેશ કરાયો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકારની વિવિધ કચેરીઓમાં ઘણાબધા કર્મચારીઓ આઉટસોર્સથી કામ કરી રહ્યા છે. કર્મચારીઓનો મેનપાવર પુરો પાડતી વિવિધ એજન્સીઓ દ્વારા સરકાર પાસેથી કર્મચારીદીઠ પુરતા નાણા વસુલ કરવામાં આવતા હોવા છતાં કર્મચારીને પુરતો પગાર નહીં આપીને તેમનું શોષણ કરવામાં આવી રહ્યું છે. અને સરકારને પણ આ સંદર્ભે વિવિધ ફરિયાદો મળી હતી. આથી સરકારે નવા લધુત્તમ વેતન મુજબ કર્મચારીઓને મહેનતાણું ચુકવવા આદેશ કર્યો છે. આ સાથે કર્મચારીઓને ઇએસઆઇ, પીએફની જોગવાઇઓનું પાલન કરવાનો પણ  આદેશ કરાયો છે. આઉટસોર્સિગ પદ્ધતિથી 50 કે તેથી વધારે કર્મચારીઓ હોય તે કંપનીએ ઓનલાઇન નોંધણી કરી લાયસન્સ લેવું ફરજિયાત છે. 27 માર્ચે સુધારેલા લઘુતમ વેતન મુજબ કુશળ કારીગરોને દૈનિક રૂ.474, અર્ધ કુશળને રૂ.462, બિન કુશળને રૂ.452 જ્યારે અન્ય વિસ્તારોમાં રૂ.441થી રૂ. 462 નિયત કરવામાં આવ્યા છે. ગાંધીનગર સચિવાલયમાં જ આઉટસોર્સિગથી ફરજ બજાવતા લિફ્ટમેન સહિતના અન્ય વર્ગ-4ના કર્મચારીઓને લઘુતમ વેતન દર જેટલો પણ પગાર નહીં ચૂકવાતો હોવાની ફરિયાદ કોંગ્રેસે તાજેતરમાં જ વિધાનસભામાં કરી હતી.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, આઉટસોર્સિંગ કર્મચારીઓને કામે રાખનારા સરકારી કચેરી મુખ્ય માલિક તરીકે રહે છે. કોન્ટ્રાક્ટર કે આઉટસોર્સિંગ એજન્સી કર્મચારીઓને વેતન ન ચૂકવે તો વેતન ચૂકવવાની જવાબદારી મુખ્ય માલિકની બને છે તેવી જોગવાઇ કોન્ટ્રાક્ટ મજૂર અધિનિયમ હેઠળ કરવામાં આવી છે. (file photo)