Site icon Revoi.in

સુરતમાં ઓવરબ્રિજ ટૂવ્હીલર માટે ઉત્તરાણના બે દિવસ પ્રતિબંધ, સેફગાર્ડ લગાવ્યા હશે તો છૂટ મળશે

Social Share

સુરતઃ શહેરમાં તાજેતરમાં નાના વરાછા વિસ્તારમાં ઓવરબ્રિજ પર સ્કુટર પર જઈ રહેલી યુવતીના ગળામાં પતંગની દોરી ભરાઈ જતાં યુવતીનું મોત નિપજ્યું હતું. આ ગંભીર ઘટના બાદ શહેર પોલીસે શહેરના તમામ ઓવરબ્રિજ પર તા.14મીને ઉત્તરાણ અને 15મીએ વાસી ઉત્તરાણના દિવસે દ્વીચક્રી વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જો કે ટુ વ્હીલર વાહનોમાં સેફગાર્ડ (લોખંડને બેન્ડ કરેલો યુ આકારને સળિયો) લાગાવેલું હશે એવા વાહનોને પ્રતિબંધમાંથી મુક્તિ મળશે. બન્ને દિવસોએ વાહનચાલકોને રોકવા ઓવરબ્રિજના નાકે ચુસ્ત પોલીસ બંદોબસ પણ તૈનાત રહેશે. સુરત પોલીસે ટુ-વ્હીલર વાહનો પર સેફ્ટીગાર્ડ લગાવવાનું અભિયાન પણ શરૂ કર્યું છે. શહેરના પાલ વિસ્તારમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથેની ટીમ રસ્તા પર ઉતરીને વાહનચાલકો સાથે આ કાર્યવાહી કરી હતી.

સુરત શહેર પોલીસ દ્વારા ખાસ પ્રકારનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે. ઉત્તરાયણ પર્વને ધ્યાને રાખી તા. 14 અને 15 જાન્યુઆરીના બે દિવસ દરમિયાન શહેરના તમામ ઓવરબ્રિજ પર ટુ-વ્હીલર ચાલકો માટે પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. જેમાં તાપી નદી સિવાયના જેટલા પણ ઓવરબ્રિજ છે, તે તમામ ઓવરબ્રિજ ઉપર માત્ર કાર, ટેમ્પા, બસ જેવા મોટા વાહનો જ પસાર થઈ શકશે. જ્યારે ટુ- વ્હીલર ચાલકોને જવા માટે બ્રિજ પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. પરંતુ જે ટુ- વ્હીલર ચાલકોએ પોતાની બાઈક કે મોપેડ આગળ દોરાથી બચવા અંગેનો સેફ્ટી સળિયો લગાવ્યો હશે, તેમને આ જાહેરનામાં પ્રતિબંધમાંથી છૂટ આપવામાં આવી છે. ઉત્તરાયણમાં કપાયેલા પતંગના દોરાથી લોકોને બચાવવા માટે પોલીસ દ્વારા લોકોની સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. 14 અને 15 તારીખે પ્રતિબંધ કરાયેલા તમામ ઓવરબ્રિજોના નાકે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત રહેશે. ટુ- વ્હીલર ચાલકોને ઓવરબ્રિજ પરથી જવા માટે સતત રોકતા રહેશે. એટલે જે લોકોને પોતાના જીવનની ના પડી હોય તેમનો જીવ પોલીસ બચાવા ખડે પગે રહેશે.

સુરતમાં ઉત્તરાણ અને વાસી ઉત્તરાણે સૌથી વધુ પતંગો ઉડાડવામાં આવતી હોય છે. ત્યારે કાતિલ દોરીથી લોકોનો જીવ ન જાય કે ઈજા ન થાય તે માટે જે લોકોએ પોતાની મોટરસાયકલ કે બાઈક ઉપર સેફ્ટી સળીયો લગાવ્યો ન હતો, તેવા વાહનચાલકોને પોલીસ પકડી-પકડીને સેફ્ટી સળીયો લગાવી આપતી હતી. શહેરના પાલ વિસ્તારમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથેની ટીમ રસ્તા પર ઉતરીને વાહનચાલકો સાથે આ કાર્યવાહી કરી હતી. તમામને પોતાની સુરક્ષા માટે તકેદારી સાથે જાગૃત રહેવા અપીલ કરી હતી.