Site icon Revoi.in

સાબરમતી જેલમાં બંધ કુખ્યાત માફિયા અતદીક અહમદને મળવાની ઓવૈસીને ના મળી મંજૂરી

Social Share

અમદાવાદઃ ઓલ ઈન્ડિયા મઝલિસ એ ઈત્તિહાદુલ મુસ્લિમીન (એઆઈએમઆઈએમ)ના વડા અસદુદ્દીન ઓવૈસી ઉત્તરપ્રદેશના આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને તૈયારીઓમાં લાગ્યાં છે. તેમજ વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારો ઉતારવાની તૈયારીઓ દર્શાવી હતી. આ ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઓવૈસી ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદની સાબરમતી જેલમાં બંધ ઉત્તરપ્રદેશના કુખ્યાત ડોન અતીક અહેમદને મળવાના હતા. જો કે, જેલતંત્ર તેમને મુલાકાતની મંજૂરી આપવાનો ઈન્કાર કર્યો હતો.

જેલ સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે, અતીક અહેમદને જેલમાં માત્ર પરિવારજનો અને વકીલ જ મળી શકે છે. નિયમ અનુસાર અન્ય કોઈને મુલાકાતની મંજૂરી આપી શકાય નહીં. અતીક અહેમદની પત્ની શાઈસ્તા પરવીન તાજેતરમાં જ ઓવૈસીની પાર્ટીમાં જોડાઈ છે. એટલું જ નહીં ઓવૈસી તેમને પ્રયાગરાજ પશ્ચિમ બેઠક ઉપરથી ઉમેદવાર બનાવવા માંગે છે. ઉત્તરપ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં મુસ્લિમ મતોને ધ્યાનમાં રાખીને અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી 100 બેઠકો ઉપર પોતાના ઉમેદવારોને ઉભા રાખવા માંગે છે. ઓવૈસીએ ઉત્તરપ્રદેશમાં મુસલમાનોને સશક્ત બનાવવાનો દાવો કર્યો હતો. તેમજ રાજ્યમાં મુસ્લિમોને સરકારી યોજનાઓના પુરતા લાભ નહીં મળતા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી વર્ષે ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ તમામ રાજ્યો પૈકી સૌથી વધારે ઉત્તરપ્રદેશને માનવામાં આવે છે. જેથી ભાજપ અને કોંગ્રેસ સહિતની રાજકીય પાર્ટીઓ દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. બીએસપીના માયાવતી અને સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવે પણ વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિવિધ આયોજન શરૂ કર્યાં છે.