Site icon Revoi.in

ભારત બાયોટેકને કોવેક્સીનના ઉત્પાદન-વેચાણ માટે મળ્યું લાયસન્સ

Social Share

નવી દિલ્હી: કોરોના વેક્સીનને લઇને લોકોની પ્રતિક્ષાનો હવે અંત આવવા જઇ રહ્યો છે. દેશમાં ઑક્સફર્ડની રસી કોવિશિલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સીનના ડ્રગ કંટ્રોલરે તેના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી છે. જેથી ભારતમાં કોરોના વેક્સીનનો માર્ગ હવે મોકળો બન્યો છે. સ્વદેશી કંપની ભારત બાયોટેકને કોવિડ વેક્સીનના ઉત્પાદન અને વેચાણનું લાયસન્સ મળ્યું છે. લાયસન્સ અનુસાર તેની બે ડોઝની વેક્સીન છે. પહેલા ડોઝ પછી બીજો ડોઝ 28 દિવસ પછી આપવામાં આવશે. જેને 6 મહિના સુધી 2 ડિગ્રીથી 8 ડિગ્રી વચ્ચે સ્ટોર કરાશે.

લાયસન્સમાં ભારત બાયોટેકને કહેવામાં આવ્યું છે કે, જ્યાં સુધી ક્લિનિકલ ટ્રાયલ પૂરી ન થાય ત્યાં સુધી ત્રણે ફેઝની સુરક્ષા, પ્રભાવી અને ઈમ્યુનિટી સંબંધિત ડેટા અપડેટ સાથે દાખલ કરવામાં આવશે. ભારત બાયોટેકને એ પણ કહેવામાં આવ્યું છે કે, શરુઆતના બે મહિનામાં દર 15 દિવસમાં અને તે પછી દર મહિને વેક્સિન સુરક્ષા ડેટા પણ જમા કરાવવો પડશે. જેમાં AEFI એટલે કે રસીકરણ પછી થતી પ્રતિકૂળ ઘટનાઓની માહિતીનો પણ સમાવેશ થાય છે. જે ન્યૂ ડ્રગ એન્ડ ક્લિનિકલ ટ્રાયલ 2019 હેઠળ જરુરી પણ છે.

કોવિડ-19ની વેક્સીન ‘કોવેક્સીન’ના ઈમરજન્સી ઉપયોગને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અને ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) સેન્ટ્રલ સ્ટાન્ડર્ડ્સ કંટ્રોલ ઓર્ગનાઈઝેશન (CDSCO) તરફથી લીલી ઝંડી મળતા જ ભારત બાયોટેકે ખુશી વ્યક્ત કરી છે. નોંધનીય છે કે ભારત બાયોટેકે કોવેક્સીનને વિકસીત કરી છે. જેનું હેડક્વાર્ટર હૈદરાબાદમાં સ્થિત છે.

(સંકેત)