Site icon Revoi.in

રાજયની 11 હોસ્પિટલમાં દર્દીઓ માટે ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરાશે : નીતિન પટેલ

Social Share

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસ ચિંતાજનકરીતે વધી રહ્યા છે. તેથી મોટાભાગની હોસ્પિટલો હાઉસફુલ થઈ રહી છે. હોસ્પિટલમાં કોવિડના દાખલ થતા દર્દીઓને ઓક્સિજનની જરૂર પડી રહી છે. અગાઉ રાજ્યની સરકારી હોસ્પિટલોમાં 150 ટન ઓક્સિજન વપરાતો હતો. તેના બદલે અત્યારે ઓક્સિજન પર રાખવામાં આવતા દર્દીઓની સંખ્યા વધી રહી છે. અને ઓક્સિજનની માગ વધી છે, એટલે રાજ્યમાં 11 સરકારી હોસ્પિટલોમાં ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરાશે. તેમ  નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યુ હતું.

રાજ્યની 11 હોસ્પિટલોમાં ઓક્સિજન ઉત્પાદન કરતા પ્લાન્ટની વિગતો આપતાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનની જરૂરિયાત વધી રહી છે. જેના કારણે આજે 700 ટન થી વધુ ઓક્સિજન દર્દીઓ માટે વપરાશમાં લેવો પડે છે. જોકે સરકારી હોસ્પિટલમાં ઓક્સિજનનો પુરવઠો સતત જળવાઈ રહે તે માટે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ સરકારી 11 હોસ્પિટલોમાં ઓક્સિજન પ્લાન્ટ નાખવાનો મહત્વનો નિર્ણય કર્યો હોવાની સ્પષ્ટતા કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજ્યમાં કદાચ આ લહેર લાંબો સમય ચાલે અને તે દરમિયાન ઓક્સિજનની ખપત ન પડે તે માટે સરકારે નક્કી કરેલી 11 સરકારની હોસ્પિટલમાં પથારીઓની સંખ્યા મુજબ વધારાનો ઓક્સિજન મળે તે માટે પ્લાન્ટ નંખાશે. અને આ પ્લાન્ટમાં હવામાંથી સીધો ઓક્સિજન બનાવી દર્દી સુધી પહોંચાડવામાં આવશે. અને આ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સૌથી મોટો પ્રતિ મિનિટે 2000 લીટર ઓક્સિજન બનાવતો પ્લાન્ટ તૈયાર કરવામાં આવશે.

ઉપરાંત અમદાવાદ સોલા મેડિકલ કોલેજમાં 1200 લીટર વડોદરાની જનરલ હોસ્પિટલમાં 900 લીટર ,પાટણમાં 700 લીટરની કેપેસિટીવાળો પ્લાન્ટ બનશે. જયારે જૂનાગઢની જનરલ હોસ્પિટલમાં 700 લીટર, બોટાદમાં 700 લીટર, મહેસાણામાં 700 લીટર,  લુણાવાડામાં 700 લીટર,પોરબંદર જનરલ હોસ્પિટલમાં 700 લીટર,  સુરેન્દ્રનગર જનરલ હોસ્પિટલમાં 700 લીટર અને વેરાવળની જનરલ હોસ્પિટલમાં પણ 700 લીટર પર મિનિટ ઓક્સિજનનું ઉત્પાદન કરી શકે તેવા પ્લાન્ટ તૈયાર કરાશે.