ઇસ્લામાબાદ, 12 મે 2026: પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં આતંકી હુમલાઓનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. બન્નુમાં થયેલા ભયાનક હુમલા બાદ હવે લક્કી મારવત વિસ્તારમાં મોટો આતંકી હુમલો થયો છે, જેમાં 9 પાકિસ્તાની નાગરિકોના મોત થયા છે. ચોંકાવનારી વાત એ છે કે આ હુમલા એવા સમયે થયા છે જ્યારે અફઘાનિસ્તાન સાથે સીઝફાયર અમલમાં છે અને કુખ્યાત સંગઠન તહરીક-એ-તાલિબાન (ટીટીપી) શાંત છે. બીબીસી ઉર્દૂના અહેવાલ મુજબ, ખૈબર વિસ્તારમાં થયેલા આ તાજેતરના હુમલાઓની જવાબદારી ‘ઇત્તિહાદ-ઉલ-મુજાહિદ્દીન’ નામના સંગઠને લીધી છે.
આ સંગઠન વર્ષ 2025માં અસ્તિત્વમાં આવ્યું હતું. તે ત્રણ મુખ્ય આતંકી જૂથો ઈસ્લામિક ક્રાંતિ, લશ્કર-એ-ઈસ્લામ અને હાફિઝ ગુલ બહાદુર જૂથના જોડાણથી બન્યું છે. આ સંગઠન સીધું સેના સાથે ટકરાવાને બદલે ‘સુસાઈડ એટેક’ (આત્મઘાતી હુમલા) દ્વારા નિર્ધારિત લક્ષ્યોને નિશાન બનાવે છે. તેઓ ટેલિગ્રામ પર અત્યંત સક્રિય છે અને પશ્તો, ઉર્દૂ તેમજ અંગ્રેજી ભાષામાં પ્રચાર કરે છે. હાફિઝ ગુલ બહાદુર જૂથને એક સમયે પાકિસ્તાન સરકાર દ્વારા ‘ગુડ તાલિબાન’નો દરજ્જો આપવામાં આવ્યો હતો, જે હવે પાકિસ્તાન માટે જ માથાનો દુખાવો બન્યું છે.
રક્ષા નિષ્ણાતોના મતે, હાફિઝ ગુલ બહાદુર જૂથ અગાઉ ટીટીપીનો જ ભાગ હતું. હાલમાં ભલે ટીટીપી સીઝફાયર હેઠળ હોય, પરંતુ ચર્ચા છે કે ટીટીપીના અનેક લડવૈયાઓ હવે ઇત્તિહાદ-ઉલ-મુજાહિદ્દીનના નેજા હેઠળ સક્રિય થયા છે. આ સંગઠનનો મુખ્ય હેતુ પણ ટીટીપીની જેમ જ પાકિસ્તાનમાં કટ્ટર ઈસ્લામી શાસન સ્થાપિત કરવાનો છે.
બેક-ટુ-બેક થયેલા આ હુમલા બાદ પાકિસ્તાન સરકારે આક્રમક વલણ અપનાવ્યું છે. પાકિસ્તાન વિદેશ મંત્રાલયે અફઘાનિસ્તાનના દૂતને તેડાવ્યા છે. દરમિયાન પાકિસ્તાનનો દાવો છે કે આ નવા આતંકી સંગઠનનું કનેક્શન કાબુલ સાથે છે અને અફઘાનિસ્તાનની ધરતી પર જ આ હુમલાઓનું કાવતરું ઘડવામાં આવ્યું છે. 1980ના દાયકાથી અશાંત રહેલો ખૈબર પખ્તુનખ્વાનો સરહદી વિસ્તાર ફરી એકવાર હિંસાની આગમાં સપડાયો છે. ટીટીપીની ‘ખામોશી’ વચ્ચે ‘ઇત્તિહાદ’નો આ ઉદય પાકિસ્તાન સુરક્ષા એજન્સીઓ માટે નવા પડકાર સમાન છે.
આ પણ વાંચોઃ અંડર-14 ક્રિકેટ: ધ્વૈત શાહની સદી અને બોલરોની શાનદાર રમત, એમપાવરને 139 રને હરાવી GCI ફાઇનલમાં

