Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીર: LoC પર રહેણાંકને નિશાન બનાવીને પાકિસ્તાનનું બેફામ ફાયરિંગ, નવ માસની બાળકી સહીત ત્રણના મોત

Social Share

પુલવામામાં આતંકવાદી હુમલા બાદ ભારત તરફથી કરવામાં આવેલી એરસ્ટ્રાઈક બાદ ભારત અને પાકિસ્તાનમાં જબરદસ્ત તણાવ પ્રવર્તી રહ્યો છે. તણાવની વચ્ચે પાકિસ્તાન તરફથી સતત શસ્ત્રવિરામ ભંગ થઈ રહ્યો છે. પુંછ જિલ્લામાં એલઓસી પર પાકિસ્તાનના સૈનિકો દ્વારા કરવામાં આવેલા બેફામ ફાયરિંગના કારણે ભારતના એક જ પરિવારના ત્રણ સદસ્યોના મોત નીપજ્યા છે અને બે વ્યક્તિઓ ઘાયલ થઈ છે. પાકિસ્તાનના બેફામ ફાયરિંગમાં જીવ ગુમાવનારા ત્રણ નિર્દોષ નાગરીકમાં એક નવ માસની બાળકી પણ છે.

તો પાકિસ્તાન દ્વારા નૌશેરામાં રહેણાંક વિસ્તારને નિશાન બનાવીને કરવામાં આવેલા મોર્ટાર સેલિંગમાં ઘણાં મકાનોને નુકસાન પણ પહોંચ્યું છે. નૌશેરામાં પાકિસ્તાનના મોર્ટાર શેલિંગથી ઘણા મકાનોની દીવાલોને નુકાસન થયું છે. પાકિસ્તાને ચાર સેક્ટરોમાં યુદ્ધવિરામનો ભંગ કર્યો છે અને પાકિસ્તાની સૈનિકોએ ભારતીય પોસ્ટ અને રહેણાંક વિસ્તારમાં લગભગ એક કલાક મોર્ટાર શેલિંગ કર્યું છે. પાકિસ્તાન તરફથી એક તરફ શાંતિની વાત કરવામાં આવે છે, બીજી તરફ પાકિસ્તાન દ્વારા સીમા પર સતત ફાયરિંગ અને મોર્ટાર શેલિંગ થઈ રહ્યું છે.

સ્થાનિક અધિકારીઓ મુજબ, પાકિસ્તાની સૈનિકોએ મોર્ટા શેલિંગ અને મશીનગનથી સામાન્ય નાગરિક વિસ્તારોને નિશાન બનાવ્યા છે. પાકિસ્તાનની આવી હરકતનો ભારતીય સુરક્ષાદળોએ પણ જબરદસ્ત જવાબ આપ્યો છે.

અધિકારીઓનું કહેવું છે કે પુંછ જિલ્લાના સલોત્રી વિસ્તારમાં સીમાપારથી કરવામાં આવેલા ભારે ગોળીબારમાં એક જ પરિવારના ત્રણ સદસ્યોના મોત નીપજ્યા છે. જ્યારે એક અન્ય વ્યક્તિના ઘાયલ થવાના અહેવાલ છે. ગોળીબારમાં 2 વર્ષીય રુબાના કૌસર, તેમનો પાંચ વર્ષીય પુત્ર ફઝાન અને નવ માસની બાળકી શબનમના મોત નીપજ્યા છે. રુબાનાના પતિ મોહમ્મદ યુનિસ પણ ગોળીબારમાં ઘાયલ થયા છે.

પુલવામા હુમલા બાદ સીમાપારથી પાકિસ્તાન તરફથી સતત ફાયરિંગ થઈ રહ્યું છે. અધિકારીઓનું કહેવું છે કે આના પહેલા પુંછ જિલ્લાના મનકોટ વિસ્તારમાં પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા ફાયરિંગમાં નસીમ અખ્તર નામની મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી. સલોત્રી અને મનકોટ સિવાય પુંછ જિલ્લાના કૃષ્ણાઘાટી અને બાલાકોટ વિસ્તારોમાં પણ ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

એક જ સપ્તાહમાં 60થી વધારે વખત શસ્ત્રવિરામનો ભંગ

આ સતત આઠમો દિવસ છે કે જ્યારે પાકિસ્તાન તરફથી રાજૌરી અને પુંછ જિલ્લાઓમાં એલઓસી પર શસ્ત્રવિરામનો ભંગ કરીને બેફામ ફાયરિંગ થઈ રહ્યું છે. ગુરુવારે રાજ્યના પુંછ અને રાજૌરી જિલ્લાઓમાં એલઓસી પાસેના છ સેક્ટોરમાં સામાન્ય નાગરિકો અને બીએસએફની ચોકીઓને નિશાન બનાવીને પાકિસ્તાની સેના દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ફાયરિંગમાં એક મહિલાનું મોત નીપજ્યું હતું અને એક જવાન પણ ઈજાગ્રસ્ત થયો હતો. ભારતીય સેનાએ પણ યુદ્ધવિરામ ભંગની પાકિસ્તાનની હરકતને તેને સમજાય તેવો જવાબ આપ્યો છે.

એક તરફ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન પોતાની સંસદમાં શાંતિની વાત કરે છે, તો બીજી તરફ પાકિસ્તાની સેનાએ ગત એક સપ્તાહમાં 60થી વધારે વખત યુદ્ધવિરામનો ભંગ કર્યો છે. પાકિસ્તાની સેનાએ જમ્મુ-કાશ્મીરના પુંછ, રાજૌરી, જમ્મુ અને બારામુલ્લા જિલ્લામાં 70 જેટલા અસૈન્ય અને સીમાવર્તી વિસ્તારને નિશાન બનાવ્યા છે. જેમાં એક મહિલાનું મોત અને નવ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

સીમાપારથી થઈ રહેલા યુદ્ધવિરામના ભંગની પાકિસ્તાનની હરકતોને જોતા સ્થાનિક પ્રશાસને રાજૌરી અને પુંછ જિલ્લાઓમાં એલઓસીથી પાંચ કિલોમીટરના અંતરમાં આવનારા તમામ શૈક્ષણિક સંસ્થાનોને કામચલાઉ ધોરણે બંધ કરવાનો આદેશ જાહેર કરી દેવામાં આવ્યો છે. સીમા પર રહેતા તમામ લોકોને પોતાના ઘરમાં રહેવા માટે જણાવવામાં આવ્યું છે.