Site icon Revoi.in

શોખ બડી ચીઝ હૈ, પૂર્વ PM ઈમરાન ખાન રોજ 8 લાખના સરકારી ખર્ચે હેલિકોપ્ટરની મુસાફરી કરતા

Social Share

નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં ઈમરાન ખાન હવે વડાપ્રધાન રહ્યાં નથી. તેઓ વિપક્ષની સામે પોતાની સત્તા બચાવવામાં નિષ્ફળ રહ્યાં હતા. સત્તામાં આવતા પહેલા ઈમરાન ખાને પ્રજાને મોટા મોટા સ્વપ્ન બનાવ્યાં હતા. જો કે, પીએમ તરીકે ઈમરાનખાને સત્તા ગુમાવ્યા બાદ તેમના શાસનકાળની વિગતો હવે બહાર આવી રહી છે. પાકિસ્તાનના સૂચના મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઈમરાન તેના આલીશાન ઘરથી પીએમ હાઉસ સુધી હેલિકોપ્ટર દ્વારા મુસાફરી કરતા હતા. 15 કિમીનું અંતર કાપવા માટે ઈમરાન સરકારી તિજોરીમાંથી રોજના આઠ લાખનો ખર્ચ કરતા હતા.

સુત્રોના જણાવ્યા અનુસાર ઓગસ્ટ 2018માં જ્યારે ઈમરાન વજીર-એ-આઝમ બન્યા ત્યારે તેમણે કહ્યું હતું કે- મારી સરકાર પાસે તિજોરી ખાલી છે. અમે સરકારી ખર્ચમાં ઘટાડો કરીશું. હું સાયકલ પર ઓફિસ જઈશ. મારા મંત્રીઓ સાથે કોઈ સુરક્ષા પરિબળ રહેશે નહીં. ગવર્નર હાઉસને યુનિવર્સિટીમાં ફેરવવામાં આવશે. તમામ સરકારી વાહનો વેચવામાં આવશે. દરેક મંત્રી માત્ર ખાનગી વાહનનો ઉપયોગ કરશે.

વઝીર-એ-આઝમ હાઉસની તમામ ગાયો, ભેંસ અને ગાડીઓ વેચી દેવામાં આવી હતી. એટલું જ નહીં તેમની જગ્યાએ નવા અને લક્ઝરી વાહનો ખરીદવામાં આવ્યા હતા. સરકારી ખર્ચના તમામ રેકોર્ડ તૂટી ગયા હતા. ઈમરાનના સમયમાં ન તો કોઈ શાળા કે યુનિવર્સિટી ખોલવામાં આવી હતી. પરંતુ પેશાવર અને ક્વેટામાં બે યુનિવર્સિટીઓ બંધ કરવામાં આવી હતી. તોશાખાનામાં અન્ય દેશોમાંથી મળેલી તમામ ભેટો વેચવામાં આવતી હતી. તેની તપાસ ખૂબ જ ઝડપથી ચાલી રહી છે.

ઈમરાન સરકારમાં ઈન્ફોર્મેશન એન્ડ લો મિનિસ્ટ્રી સંભાળતા તેમના ખાસ મિત્ર ફવાદ ચૌધરીએ કહ્યું હતું કે, ઈમરાનને અન્ય દેશોમાંથી ભેટ મળી હતી. જો તેઓ તેમને વેચે તો તેમાં ખોટું શું છે? બાય ધ વે, પાકિસ્તાનનું બંધારણ કહે છે વડાપ્રધાન કે કોઈપણ સરકારી અધિકારીને મળેલી ભેટ એ દેશની સંપત્તિ છે.

શાહબાઝ શરીફની સરકારમાં માહિતી મંત્રાલયની જવાબદારી મરિયમ ઔરંગઝેબને સોંપવામાં આવી છે. વરિષ્ઠ પત્રકારો રિઝવાન રાઝી અને અસદ અલી તૂરે ઈમરાનના ડોમેસ્ટિક ટ્રાવેલ હિસ્ટ્રી વિશે માહિતી મેળવી હતી. તે અનુસાર ઘરથી પીએમ હાઉસ સ્થિત તેમની ઓફિસ આવવા-જવા માટે સરકારી હેલિકોપ્ટરનો ઉપયોગ કરતો હતો. તેના ઇંધણ અને જાળવણી પાછળ દરરોજ 8 લાખ રૂપિયાનો ખર્ચ થતો હતો. બનીગાલાથી પીએમ હાઉસનું અંતર માત્ર 15 કિલોમીટર છે. દર કલાકે 2 લાખ 75 હજાર રૂપિયા બળતણ ખર્ચ પર ખર્ચવામાં આવ્યા હતા. અંદાજે કુલ ખર્ચનો આંકડો લગભગ 1 અબજ પાકિસ્તાની રૂપિયા છે.