Site icon Revoi.in

પાકિસ્તાન ઇતિહાસના સૌથી મોટા દેવાના ડુંગર નીચે દબાયું: દેવુ રૂ. 81.93 ટ્રિલિયન વટાવી ગયું

Social Share

ઈસ્લામાબાદ, 27 જૂન 2026: ચરમસીમાએ પહોંચેલી આર્થિક કટોકટી વચ્ચે પાકિસ્તાન અત્યાર સુધીના તેના ઇતિહાસના સૌથી મોટા દેવાના જાળમાં ફસાઈ ગયું છે. સરકારી ખર્ચાઓને પહોંચી વળવા અને જૂનું દેવું ચૂકવવા માટે અંધાધૂંધ લેવામાં આવી રહેલી લોનને કારણે પાકિસ્તાન પરનું કુલ દેવું વધીને 81.93 ટ્રિલિયન (લાખ કરોડ) રૂપિયા ના રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે. માત્ર એપ્રિલ મહિનામાં જ પાકિસ્તાનની કેન્દ્ર સરકારે 1.4 ટ્રિલિયન રૂપિયાનું નવું કરજ લીધું છે, જે દેશ પર વધી રહેલા આર્થિક દબાણ અને દેવા પરની નિર્ભરતાને સ્પષ્ટપણે દર્શાવે છે.

‘બિઝનેસ રેકોર્ડર’ના અહેવાલ મુજબ, વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ 10 મહિનામાં જ કેન્દ્ર સરકારનું દેવું 4 ટ્રિલિયન રૂપિયાથી વધુ વધી ગયું છે. આ આંકડા પાકિસ્તાનની આર્થિક વ્યવસ્થાના નબળા પાયાની ચાડી ખાય છે. કુલ વધારામાંથી 3.6 ટ્રિલિયન રૂપિયાથી વધુનું દેવું દેશની અંદરથી લેવામાં આવ્યું છે. આ ગાળા દરમિયાન વિદેશી દેવામાં પણ 400 બિલિયન રૂપિયાથી વધુનો વધારો નોંધાયો છે. આર્થિક નિષ્ણાતો અને આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓ પાકિસ્તાનની શહબાઝ શરીફ સરકારને સતત ચેતવણી આપી રહ્યા છે કે દેશ હાલમાં સંપૂર્ણપણે ‘ઉધારના ભરોસે’ ચાલી રહ્યો છે, જે ગમે ત્યારે મોટી આર્થિક નિકંદન તરફ દોરી શકે છે.

અહેવાલમાં જણાવ્યા અનુસાર, પાકિસ્તાનમાં એક પછી એક આવેલી તમામ સરકારોએ પોતાના રોજિંદા ખર્ચાઓ પૂરા કરવા અને જૂના દેવાના વ્યાજની ચુકવણી કરવા માટે સતત નવી લોન લેવાની નીતિ અપનાવી છે. આનાથી એક એવું વિષચક્ર સર્જાયું છે, જેમાંથી બહાર નીકળવું હવે શહબાઝ સરકાર માટે મુશ્કેલ બની રહ્યું છે. નબળી ટેક્સ વસૂલાત અને સતત વધતી રાજકોષીય ખાધને કારણે દેવાનો આ બોજ દિનપ્રતિદિન વધુ ઘેરો બની રહ્યો છે.

અર્થશાસ્ત્રીઓના મતે, દેવાના આ તોતિંગ વધારાની સીધી અસર પાકિસ્તાનના સામાન્ય નાગરિકો પર પડી રહી છે. સરકારની કમાણીનો મોટો હિસ્સો શિક્ષણ, આરોગ્ય, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સામાજિક કલ્યાણ પાછળ ખર્ચવાને બદલે માત્ર લોનના વ્યાજ ચૂકવવામાં જ વપરાઈ રહ્યો છે. ભૂ-રાજકીય તણાવની બેવડી અસર અને પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં ચાલી રહેલા ભૂ-રાજકીય તણાવને કારણે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવ આસમાને પહોંચ્યા છે. તેલની આયાત પાછળ થતા જંગી ખર્ચને લીધે પાકિસ્તાનના વિદેશી હૂંડિયામણના ભંડાર પર ભારે દબાણ ઊભું થયું છે.

આર્થિક નિષ્ણાતોએ સરકારને સલાહ આપી છે કે જો પાકિસ્તાનને આ નાણાકીય કટોકટીમાંથી ઉગારવું હોય, તો સરકારે કડક પગલાં લેવા પડશે. જેમ કે, ટેક્સ નેટ વધારીને મજબૂત આંતરિક આવક ઊભી કરવી પડશે. તેમજ સરકારી અને જાહેર ખર્ચાઓ પર આકરો અંકુશ મૂકવો પડશે. એટલું જ નહીં દેશના આર્થિક માળખામાં તાત્કાલિક મોટા સુધારાઓ કરવા પડશે. જો દેવું વધવાના મૂળ કારણોનો સમયસર ઉકેલ લાવવામાં નહીં આવે, તો આગામી વર્ષોમાં પાકિસ્તાન સંપૂર્ણપણે ડિફોલ્ટ (દિવાળું ફૂંકવા) તરફ ધકેલાઈ શકે છે.

Exit mobile version