Site icon Revoi.in

પાકિસ્તાને ભારતીય શીખો માટે ખોલ્યું 500 વર્ષ જૂનું ગુરુદ્વારા

Social Share

પાકિસ્તાને પાંચસો વર્ષ જૂનું એક ગુરુદ્વારા ભારતીય શીખ શ્રદ્ધાળુઓ માટે ખોલ્યું છે. પંજાબ પ્રાંતના સિયાલકોટમાં આવેલા આ પ્રાચીન ગુરુદ્વારામાં હવે શીખ શ્રદ્ધાળુઓ અરદાસ કરી શકશે. તેના પહેલા ભારતીય શીખ બાબે-દે-બેર ગુરુદ્વારામાં દર્શન કરી શકતા ન હતા.

ભારત સિવાય યુરોપ, કેનેડા અને અમેરિકાથી આવતા શીખોને પણ બાબે-દે-બેર ગુરુદ્વારા જવાની મંજૂરી આપી દેવામાં આવી છે. પંજાબ પ્રાંતના ગવર્નર મોહમ્મદ સરવરે રાજ્ય સરકારના ઔકફ વિભાગને ભારતથી આવતા શીખ શ્રદ્ધાળુઓને ગુરુદ્વારામાં દર્શન કરવાની મંજૂરીના નિર્દેશ આપ્યા હતા.

લાહોરથી 140 કિલોમીટર દૂર સિયાલકોટ શહેરમાં આવેલા આ ગુરુદ્વારામાં ગુરુ નાનક જયંતી અને તેમની પુણ્યતિથિ પર દેશવિદેશથી મોટી સંખ્યામાં શીખ શ્રદ્ધાળુઓ પહોંચે છે. મીડિયા અહેવાલ પ્રમાણે, પાકિસ્તાનમાં આવા ઘણાં ગુરુદ્વારા છે, જ્યાં ભારત સહીત દુનિયાભરમાંથી શીખ શ્રદ્ધાળુઓ દર વર્ષે દર્શન કરવા માટે જાય છે.

આ ગુરુદ્વારાને શીખ ધર્મના સંસ્થાપક ગુરુ નાનક દેવ સાહિબની યાદમાં તેમના અનુયાયી સરદાર નત્થાસિંહે બનાવ્યું હતું. જણાવવામાં આવે છે કે 16મી સદીમાં કાશ્મીર યાત્રાથી સિયાલકોટ પાછા ફરેલા ગુરુ નાનક દેવે આ સ્થાન પર બોરના એક વૃક્ષ નીચે વિશ્રામ કર્યો હતો. અહીં તેમણે સિયાલકોટના મશહૂર સંત હમજા ગૌસ સાથે મુલાકાત કરી હતી. આજે પણ અહીં તે વખતે વિશાળ બોરનું વૃક્ષ અસ્તિત્વમાં છે.