Site icon Revoi.in

T20 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશના વલણનો લાભ લેવા માંગે છે પાકિસ્તાન

Social Share

નવી દિલ્હી, 19 જાન્યુઆરી 2026 : ભારત અને શ્રીલંકાની સંયુક્ત યજમાનીમાં યોજાનારા આઈસીસી T20 વર્લ્ડ કપ 2026 પર જોખમ તોળાઈ રહ્યું છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વધતા રાજકીય તણાવને કારણે હવે રમતગમત જગતમાં પણ વિવાદ શરૂ થયો છે. બાંગ્લાદેશે સુરક્ષા કારણોસર ભારતમાં રમવા અંગે ખચકાટ વ્યક્ત કરીને વેન્યુ બદલવાની માંગ કરી છે, જેમાં હવે પાકિસ્તાન પણ કૂદી પડ્યું છે.

પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બાંગ્લાદેશ સરકારે સુરક્ષાના મુદ્દે સમર્થન મેળવવા માટે પાકિસ્તાનનો સંપર્ક કર્યો છે. પાકિસ્તાનની ટીવીના અહેવાલ મુજબ, પાકિસ્તાને બાંગ્લાદેશને આ બાબતે સંપૂર્ણ સમર્થનની ખાતરી આપી છે. પાકિસ્તાને ભારપૂર્વક જણાવ્યું છે કે યજમાનીની જવાબદારીઓના સંદર્ભમાં કોઈપણ દેશને દબાણ કે ધમકીઓનો સામનો કરવો જોઈએ નહીં. સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાન પોતે પણ આ વર્લ્ડ કપમાં પોતાની ભાગીદારી અંગે સમીક્ષા કરી શકે છે.

બાંગ્લાદેશના વિવાદમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) શરૂઆતથી જ રસ દાખવી રહ્યું છે. 11 જાન્યુઆરી, 2026ના રોજ પીસીબીએ બાંગ્લાદેશની મેચોની યજમાની કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જોકે, બાદમાં પીસીબીએ સ્પષ્ટતા કરી હતી કે જો શ્રીલંકામાં સ્ટેડિયમ ઉપલબ્ધ ન હોય, તો જ પાકિસ્તાન વિકલ્પ તરીકે તૈયાર છે. પાકિસ્તાને તર્ક આપ્યો છે કે તેમણે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 અને આસીસી મહિલા ક્વોલિફાયર જેવી મોટી ટૂર્નામેન્ટ્સનું સફળ આયોજન કર્યું છે, તેથી તેમના સ્ટેડિયમ તૈયાર છે.

બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન અને ત્યારબાદ ભારત સાથેના વણસેલા સંબંધોને કારણે બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ ભારત આવવા માટે સુરક્ષાની ચિંતાઓ વ્યક્ત કરી રહી છે. બાંગ્લાદેશ ઈચ્છે છે કે તેમની મેચો ભારતને બદલે અન્ય કોઈ તટસ્થ દેશ (ન્યુટ્રલ વેન્યુ) પર યોજવામાં આવે. આ મામલે ICC (ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ) હવે કેવો નિર્ણય લે છે તેના પર વિશ્વભરના ક્રિકેટ પ્રેમીઓની નજર છે.

આ પણ વાંચોઃસાબરકાંઠાના ચિતરીયા ગામનાં બાળકો-વિદ્યાર્થીઓ માટે હવે લાઇબ્રેરીની સુવિધા ઉપલબ્ધ

Exit mobile version