Site icon Revoi.in

વર્લ્ડકપના ફાઈનલમાં પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન ઈમરાન ખાન સહભાગી નહીં થઈ શકે?

Social Share

નવી દિલ્હીઃ ભારત દ્વારા આયોજિત ODI વર્લ્ડ કપ 2023 તેના અંત તરફ આગળ વધી રહ્યો છે. ટૂર્નામેન્ટમાં 3 સેમી ફાઇનલિસ્ટ છે અને ચોથી ટીમ પણ લગભગ ફાઇનલ થઈ ગઈ છે. ટુર્નામેન્ટની પ્રથમ સેમિફાઇનલ 15મીએ અને બીજી 16મી નવેમ્બરે રમાશે. આ પછી, ફાઇનલ મેચ 19 નવેમ્બર, રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે, જેના માટે ICC દ્વારા તમામ વર્લ્ડ કપ વિજેતા કેપ્ટનોને આમંત્રણ આપવામાં આવ્યું છે, પરંતુ પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન ઇમરાન ખાન ભાગ લઈ શકશે તેવી શકયતાઓ નહીંવત છે.

1992માં પાકિસ્તાનનો પહેલો ODI વર્લ્ડ કપ જીતનાર પૂર્વ કેપ્ટન ઈમરાન ખાન ભારતમાં રમાઈ રહેલ 2023 ODI વર્લ્ડ કપ જોઈ શકશે નહીં કારણ કે તેઓ એક કેસમાં પાકિસ્તાનની જેલમાં બંધ છે અને કોર્ટ દ્વારા તેમની જામીન અરજી ફગાવી દેવામાં આવી છે. ICC દ્વારા ઈમરાન ખાનને વર્લ્ડ કપ ફાઈનલ જોવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. જો કે, પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અને પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન હાલ જેલમાં બંધ છે, જેના કારણે તે ટૂર્નામેન્ટની ફાઇનલમાં ભાગ લેવા માટે ભારત આવી શકે તેમ નથી.

અત્યાર સુધીમાં ત્રણ ટીમો સેમિફાઈનલમાં ક્વોલિફાય થઈ ગઈ છે. સૌથી પહેલા તો યજમાન ભારતે એકપણ મેચ હાર્યા વિના સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી હતી. આ પછી દક્ષિણ આફ્રિકાએ ક્વોલિફાય કર્યું હતું. ત્યારપછી પાંચ વખતની વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સેમિફાઈનલ માટે ક્વોલિફાઈ થનારી ત્રીજી ટીમ બની હતી. ન્યૂઝીલેન્ડ ચોથા સેમી ફાઇનલિસ્ટ તરીકે લગભગ કન્ફર્મ થઈ ગયું છે.