Site icon Revoi.in

પેપર લીક પ્રકરણઃ મુખ્ય સુત્રધાર જયેશ પટેલની ધરપકડ, પેપર ખરીદનાર બે ઉમેદવારો પણ ઝબ્બે

Social Share

અમદાવાદઃ ગૌણ સેવા પસંદગી મંડળના હેડ ક્લાર્કની લેવાયેલી પરીક્ષાનું પેપર લીક થવાના પ્રકરણમાં પોલીસે ધરપકડનો દોર શરૂ કર્યો છે. દરમિયાન આ પ્રકરણના મુખ્ય સુત્રધાર જયેશ પટેલની સાબરકાંઠા પોલીસે ધરપકડ કરી હતી. એટલું જ નહીં પેપર ખરીદીને તેને સોલ્વ કરનારા બે ઉમેદવારોને પણ પોલીસે ઝડપી લીધા હોવાનું જાણવા મળે છે. પોલીસે જયેશ પટેલ સહિત ત્રણેયની પૂછપરછ આરંભી છે. તેમની તપાસમાં અન્ય ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયાના આક્ષેપના પગલે પોલીસે તપાસ આરંભી હતી. અંતે 11 આરોપીઓ સામે ગુનો નોંધીને ધરપકડનો દોર શરૂ કર્યો હતો. પ્રથમ દિવસે જ પોલીસે આઠ આરોપીઓને ઝડપી લીધા હતા. પોલીસની તપાસમાં સાણંદની પ્રેસમાંથી જ પેપર લીક થયાનું ખુલ્યું હતું. જેથી પોલીસે અન્ય આરોપીઓની પણ ધરપકડ કરી હતી. સમગ્ર પ્રકરણમાં જયેશ પટેલની સંડોવણી સામે આવી હતી. જેથી પોલીસે તેની ધરપકડ કરવા ચક્રોગતિમાન કર્યાં હતા. બીજી તરફ પોતાની સંભવિત ઘરપકડથી બચવા માટે આરોપી જયેશ પટેલ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. દરમિયાન સાબરકાંઠા પોલીસે જયેશ પટેલની પણ ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત પરીક્ષા પૂર્વે પપર મેળવીને તેને સોલ્વ કરનારા બે ઉમેદવારોને પણ પોલીસે દબોચી લીધા હતા. પેપર રૂ. 12 લાખમાં વેચવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. બંને ઉમેદવારોની હિંમતનગરથી પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે જયેશ પટેલ સહિત ત્રણેય આરોપીના રિમાન્ડ મેળવવાની કવાયત આરંભી છે. જયેશ પટેલને આશરો આપનાર સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.