Site icon Revoi.in

વાપીની GIDCમાં આવેલી પેપર મિલો કોલસાના અભાવે બંધ કરવી પડે તેવી સ્થિતિ

Social Share

અમદાવાદઃ દેશભરમાં એકાએક કોલસાની અછત સર્જાતા તેની ઉદ્યોગો પર માઠી અસર થઈ રહી છે. જેમાં ગુજરાતની સૌથી મોટી એવી વાપી જીઆઇડીસીમાં આવેલા અસંખ્ય ઉદ્યોગોમાં કોલસાની અછતને કારણે ઉત્પાદન અને એક્સપોર્ટ પર પણ અસર થઈ છે. વાપી સહિત દેશના વિવિધ સ્થળોએ ઇન્ડોનેશિયામાંથી કોલસાની આયાત થાય છે, પરંતુ ચીનમાં વીજ કટોકટીના કારણે કોલસાની માગ વધી છે. આ સાથે કોલસાના ભાવોમાં ત્રણ ગણો વધારો થયો છે. ભાવ વધી જતાં ચારે તરફ કોલાસાની અછત વર્તાઇ રહી છે. વાપી જીઆઇડીસીમાં આવેલી 40 પેપરમિલોમાં પણ કોલસો ખૂટી રહ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ વાપી જીઆઈડીસીમાં આવેલી પેપર મિલો કોલસાથી સંચાલિત છે. કોલસાની કિંમત ઉંચી હોવાથી પેપરમિલોને પરવડે તેમ નથી. આગામી દિવસોમાં જરૂરિયાત મુજબ વાપીમાં કોલસાનો જથ્થો ન આવે તથા ભાવ ન ઘટે તો પેપરમિલો બંધ થાય તેવી સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે. વાપીના ઉદ્યોગપતિઓના કહેવા મુજબ કોલસાની અછતને કારણે ભાવ વધી રહ્યા છે. જેના કારણે પેપરમિલોને સીધી અસર થઇ રહી છે.વાપી ઉદ્યોગોમાં અંદાજે દર મહિને 60 હજાર મેટ્રિક ટન કોલસાની જરૂરિયાત રહે છે. ત્રણ મહિના અગાઉ કોલસાનો ભાવ 5000 રૂપિયા પ્રતિ ટન હતો. તે ભાવ હવે વધીને 14 હજાર રૂપિયા પ્રતિ ટન થઈ ગયો છે. કોલસાના અસહ્ય ભાવ વધારાને કારણે ઉદ્યોગોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. આવી પરિસ્થિતિને કારણે વાપીના ઉદ્યોગોને અનેક રીતે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

Exit mobile version