Site icon Revoi.in

પરશોત્તમ રૂપાલાએ ભાષણમાં ક્ષત્રિય સમાજ વિશે બોલીને વિરોધ થતાં માફી માગી

Social Share

રાજકોટઃ લોકસભાની ચૂંટણી માટે જે ઉમેદવારોના નામ જાહેર થઈ ગયા છે. તે ઉમેદવારો દ્વારા પ્રચારકાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. જેમાં રાજકોટની બેઠક પરના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ  વાલ્મિકી સમાજનાં એક કાર્યક્રમમાં જાહેરમાં ક્ષત્રિય સમાજની લાગણી દુભાય તે પ્રકારનું નિવેદન કરતાં ક્ષત્રિય સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો. આ અંગે ભાજપના કેટલાક ક્ષત્રિય સમાજના આગેવાનોએ નારાજગી વ્યક્ત કરતા

રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી માંગતો વીડિયો જાહેર કર્યો હતો અને કહ્યું કે, મારો આશય માત્ર  વિધર્મીઓના ઝૂલ્મોનું નિરૂપણ કરવાનો હતો. ક્ષત્રિય સમાજ કે રાજવી પરિવારની લાગણી દુભાય તેવો કોઈ જ ઈરાદો ન હતો. મારા નિવેદનથી ક્ષત્રિય સમાજ કે રાજવી પરિવારને કોઇ નારાજગી હોય તો દિલગીરી વ્યક્ત કરું છું અને દિલથી માફી માંગુ છું. જેથી આ વિષયને અહીં જ પૂર્ણ કરવામાં આવે તેવી વિનંતી કરું છું.

રાજકોટ લોકસભા બેઠકના ભાજપનાં ઉમેદવાર અને કેન્દ્રિય મંત્રી પરષોત્તમ રૂપાલાએ વાલ્મિકી સમાજનાં એક જાહેર કાર્યક્રમમાં કહ્યું હતું કે, ભારત દેશમાં જ્યારે અંગ્રેજો હતા, ત્યારે તેમણે દમન ગુજારાતો હતો, અને મહારાજાઓએ પણ રોટી-બેટીના વ્યવહારો કર્યા હતા, પરંતુ મારા રૂખી સમાજે ન તો ધર્મ બદલ્યો કે ન તો વ્યવહાર કર્યા. 1,000 વર્ષ પછી રામ પણ તેના કારણે આવ્યા છે. તેઓ તલવારો આગળ પણ ન્હોતા ઝૂક્યા. ન તો એ ભયથી તૂટ્યા કે ન તો ભૂખથી તૂટ્યા. અડીખમ રહ્યા એ સનાતન ધર્મના આ વારસદારો છે જેનું મને ગૌરવ છે.

જોકે રૂપાલાના આ નિવેદન બાદ કોંગ્રેસના નેતા અને રાજપૂત સમાજના આગેવાન મહેશ રાજપૂતે જણાવ્યું હતું કે, રૂપાલાએ રાજપૂત સમાજનું અપમાન કર્યું છે તે અતિ નિંદનીય છે. તેમણે કહ્યું કે, રૂપાલા મત મેળવવાની લાલશમાં શું બોલવું તેનું પણ ભાન ભૂલી ગયા છે. તેમણે કહ્યું કે, ક્ષત્રિય સમાજના શિવાજી, મહારાણા પ્રતાપ, પૃથ્વીરાજ ચૌહાણ જેવા પ્રતાપી લોકોના બલિદાનને રૂપાલા ભૂલી ગયા છે. ક્ષત્રિયો ન હોત તો દેશને આઝાદી ન મળી હોત. રાજપૂતોએ પોતાની મિલકત દેશને અર્પણ કરી તેથી આ મિલકત પર આપનો કબજો છે. જેથી રૂપાલાને ક્ષત્રિય સમાજની તાત્કાલિક માફી માંગવી જોઈએ. ત્યારબાદ ભાજપના ક્ષત્રિય સમાજના કેટલાક આગોવાનોએ પણ રૂપાલાના નિવેદન સામે નારાજગી વ્યક્ત કરી હતી.

પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજમાં ઊભી થયેલી નારાજગીને પગલે  ક્ષત્રિય સમાજની માફી માંગતો વીડિયો જાહેર કર્યો હતો તેમાં કહ્યું કે, રાજકોટમા વાલ્મિકી સમાજનાં કાર્યક્રમમાં મેં એક ભાષણ કર્યું હતુ. જેનો વીડિયો વાયરલ થયો છે. જે વીડિયો અંગે ક્ષત્રિય સમાજે રોષ વ્યક્ત કર્યો છે. મારો આશય વિધર્મીઓ દ્વારા આપણી સંસ્કૃતિ અને દેશ પર થયેલા ઝુલ્મોનું નિરૂપણ કરવાનો હતો. છતાં મારા નિવેદનથી ક્ષત્રિય સમાજ કે રાજવી પરિવારને કોઇ નારાજગી હોય તો દિલગીરી વ્યક્ત કરું છું અને દિલથી માફી માંગુ છું. જેથી આ વિષયને અહીં જ પૂર્ણ કરવામાં આવે તેવી વિનંતી કરું છું.