નવી દિલ્હી : ભારતના પેસેન્જર વ્હીકલ (PV) ઉદ્યોગે નવેમ્બર 2025 દરમિયાન નોંધપાત્ર વૃદ્ધિ હાંસલ કરી છે. તહેવારોની સીઝન પૂર્ણ થયા બાદ પણ વાહનોની માંગમાં સતત તેજી જોવા મળી રહી છે. ખાસ કરીને GST દરોમાં ઘટાડો અને શિયાળામાં લગ્નસરાની મોસમની શરૂઆતને કારણે વેચાણ અને ઉત્પાદન બંનેમાં વાર્ષિક ધોરણે મજબૂત વધારો નોંધાયો છે. ICRAના અહેવાલ મુજબ, નવેમ્બરમાં વાહનોનું રિટેલ વેચાણ ગત વર્ષની સરખામણીએ 22 ટકા વધ્યું છે. જોકે, ઓક્ટોબરના રેકોર્ડબ્રેક તહેવારી વેચાણની તુલનામાં નવેમ્બરમાં 29 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. કંપનીઓ દ્વારા ડીલરોને કરવામાં આવતી સપ્લાય (હોલસેલ) 19 ટકા વધીને 4.1 લાખ યુનિટ પર પહોંચી છે.
FADAના ડેટા અનુસાર, વેચાણ વધવાને કારણે ડીલરો પાસે રહેલો સ્ટોક જે સપ્ટેમ્બરમાં 60 દિવસનો હતો, તે હવે ઘટીને 44-46 દિવસ થઈ ગયો છે, જે બજારની તંદુરસ્તી દર્શાવે છે. નવેમ્બરમાં કુલ પેસેન્જર વ્હીકલ વેચાણમાં યુટિલિટી વ્હીકલ્સ (SUV/MPV)નો હિસ્સો 67 ટકા રહ્યો છે. બીજી તરફ, GSTમાં કરાયેલા ઘટાડાને કારણે મિની અને કોમ્પેક્ટ કાર સેગમેન્ટમાં પણ ગ્રાહકોની પૂછપરછ અને ખરીદીમાં સુધારો જોવા મળ્યો છે.
માત્ર કાર જ નહીં, પરંતુ ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર સેગમેન્ટમાં પણ શાનદાર પ્રદર્શન રહ્યું છે. ટુ-વ્હીલરનું વેચાણ 21.2 ટકા વધીને 19.44 લાખ યુનિટ થયું. શહેરી વિસ્તારોમાં સ્કૂટરની માંગમાં 29 ટકાનો તોતિંગ વધારો નોંધાયો છે. થ્રી- પેસેન્જર થ્રી-વ્હીલરના વેચાણમાં 21.3 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. ભારતીય વાહનોની માંગ માત્ર દેશમાં જ નહીં, પણ વિદેશોમાં પણ વધી છે. મધ્ય પૂર્વ અને લેટિન અમેરિકાના દેશોમાંથી મજબૂત માંગ આવતા ભારતીય ઓટો નિકાસમાં પણ ઉછાળો જોવા મળ્યો છે.

