Site icon Revoi.in

કોંગ્રેસના નેતા પવન ખેડાને સુપ્રીમ કોર્ટમાંથી મળી નહીં રાહત, PM મોદીના પિતા વિરુદ્ધ નિવેદન પર થઈ હતી FIR

Social Share

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પિતાને લઈને વાંધાજનક ટીપ્પણીના મામલે કોંગ્રેસના નેતા પવન ખેડાને મોટો આંચકો લાગ્યો છે. સુપર્મ કોર્ટે પવન ખેડા વિરુદ્ધ નોંધાયેલી એફઆઈઆર અને ફોજદારી કાર્યવાહીને રદ્દ કરવાનો ઈન્કાર કર્યો છે. ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ બી. આર. ગવઈ અને જસ્ટિસ સંદીપ મેહતાની ખંડપીઠે કહ્યુ છે કે તેઓ હાઈકોર્ટના આદેશમાં હસ્તક્ષેપ કરવાને લઈને ઈચ્છુક નથી. ખંડપીઠે કહ્યું છે કે માફ કરો, અમારો કોઈ ઈરાદો નથી.

પવન ખેડા વિરુદ્ધ પીએમ મોદી પર ખોટી ટીપ્પણી કરવાના મામલે મામલો નોંધવામાં આવ્યો હતો. તેને રદ્દ કરવા માટે કોંગ્રેસના નેતાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.ગુરુવારે સુનાવણી દરમિયાન કોર્ટે એફઆઈઆરને રદ્દ કરવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો. જસ્ટિસ બી. આર. ગવઈ અને જસ્ટિસ સંદીપ મેહતાની ખંડપીઠે પવન ખેડાની અરજી પર ગુરુવારે સુનાવણી કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે તમારે નીચલી અદાલતમાં ટ્રાયલનો સામનો કરવો પડશે. પહેલા આ સુનાવણી 13 ઓક્ટોબરે થવાની હતી.

આ પહેલા અલ્હાબાદ હાઈકોર્ટે ફોજદારી મામલો રદ્દ કરવાની પવન ખેડાની અરજીને નામંજૂર કરી હતી. પવન ખેડાએ અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.અલ્હાબાદ હાઈકોર્ટે પવન ખેડાની વિરુદ્ધ એફઆઈઆરને રદ્દ કરવાનો ઈન્કાર કર્યો હતો. બાદમાં પવન ખેડાએ કેસને રદ્દ કરાવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટે આના  સંદર્ભે યુપી સરકાર પાસેથી જવાબ માંગ્યો હતો.

યુપી સરકારે પવન ખેડાની અરજીનો વિરોધ કરતા સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે પોલીસે નીચલી અદાલતમાં ચાર્જશીટ દાખલ કરી દીધી છે. પવન ખેડા માટે રજૂ થયેલા વરિષ્ઠ એડવોકેટ અને કોંગ્રેસના નેતા સલમાન ખુર્શિદે કોર્ટ સમક્ષ સુનાવણીને ટાળવાની માગણી કરી હતી. પરંતુ જસ્ટિસ બી. આર. ગવઈ અને જસ્ટિસ સંદીપ મેહતાની ખંડપીઠે આનો ઈન્કાર કર્યો હતો. ન્યાયાધીશોનું કહેવું છે કે તમે માફી માંગીને પોતાના ગુનાને સમાપ્ત કરી શકો નહીં. તમે નીચલી અદાલતમાં ટ્રાયલનો સામનો કરો.

પીએમ મોદી પર વાંધાજનક ટીપ્પણીના મામલે પવન ખેડા વિરુદ્ધ લખનૌના હજરતગંજ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો હતો. મુંબઈમાં 17 ફેબ્રુઆરી, 2023ના રોજ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પવન ખેડાએ વાંધાજનક ટીપ્પણી કરી હતી. પીએમ નરેન્દ્ર મોદીના પિતાના નામને ગૌતમ અદાણી સાથે જોડતા પવન ખેડાએ પરોક્ષપણે કટાક્ષ કર્યો હતો અને તેના પછી મોટો વિવાદ થયો હતો.

કોંગ્રેસના નેતા પવન ખેડાના મામલામાં 20 માર્ચ, 2023ના રોજ સુપ્રીમ કોર્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધની વાંધાજનક ટીપ્પણીના મામલામાં ત્રણ એફઆઈઆર એકસાથે જોડી દીધી હતી. આસામમાં એક અને યુપીમાં પવન ખેડાની સામેની બે એફઆઈઆરને જોડવા સિવાય કોર્ટે વચગાળાના જામીનની અરજી પણ લંબાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર મામલાને લખનૌના હજરતગંજ પોલીસ સ્ટેશનમાં સ્થાનાંતરીત કરી દેવામાં આવ્યો હતો.

કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાને 23 ફેબ્રુઆરી, 2023ના રોજ દિલ્હી એરપોર્ટ પર એરેસ્ટ કરી લેવામાં આવ્યા હતા. તેમને રાયપુર નારા વિમાનમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા. નાટકીય ઘટનાક્રમ વચ્ચે પવન ખેડાને તે દિવસે જ સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન આપ્યા હતા. તેને વખતોવખત લંબાવવામાં આવી છે. સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન બાદ પવન ખેડાને લખનૌ કોર્ટમાંથી જામીન મળ્યા હતા. કથિત ટીપ્પણી માટે પવન ખેડાએ અદાલતમાં બિનશરતી માફી માંગી છે. તેમ છતાં સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે વારંવાર માફી છતાં કાર્યવાહીથી બચી શકાય નહીં.