Site icon Revoi.in

અમદાવાદમાં પાણીના પાઈપ લાઈન તૂટતા બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટરને 50 લાખની પેનલ્ટી

Social Share

અમદાવાદઃ શહેરના સાબરમતી ટોરેન્ટ પાવરથી કેશવનગર તરફ જવાના રોડ ઉપર જે.પી ની ચાલી પાસે બુલેટ ટ્રેન માટે પિલ્લરો ઊભા કરવાની કામગીરી ચાલી રહી છે. ત્રણ દિવસ પહેલાં બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન એએમસીની પીવાના પાણીની પાઇપલાઇન તૂટી ગઈ હતી,  જેના કારણે લાખો લીટર પાણી રોડ ઉપર વહી ગયું હતું. એએમસીના ઇજનેર વિભાગ દ્વારા પાણીની પાઇપલાઇન તૂટવા મામલે થયેલા 50 લાખનો ખર્ચ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટર પાસેથી વસૂલવામાં આવશે. સોમવારે મળેલી વોટર સપ્લાય કમિટીમાં અધિકારીઓને બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટર પાસેથી ખર્ચ વસૂલવાનો આદેશ કરવામાં આવ્યો છે.

વોટર સપ્લાય કમિટિનાં ડેપ્યુટી ચેરમેન ભરત પટેલે જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરના સાબરમતી વિસ્તારમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે. જેમાં ટોરેન્ટ પાવરથી કેશવનગરના રસ્તા પર જેપીની ચાલી પાસે બુલેટ ટ્રેન માટે પિલ્લર માટે ખોદકામ કરતા પાણીની પાઈપ લાઈન તોડી નાંખવામાં આવી હતી. આથી પીવાના પાણીની 1600 mmની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું. જેના કારણે પાણીનો વાલ બંધ કરવામાં આવ્યો હતો. પશ્ચિમ ઝોનનાં સાબરમતી, સ્ટેડિયમ, નવા વાડજ, નારણપુરા, નવરંગપુરા, પાલડી અને વાસણા વોર્ડના વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનોને અસર થશે. આ વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરોમાંથી સપ્લાય બંધ રહ્યો છે. બે દિવસ અપૂરતું તેમજ ઓછા પ્રેશરથી પાણી લોકોને મળતાં નાગરિકો હેરાન થયા હતા. પાણીની પાઈપલાઈન બેલેટ ટ્રેન પ્રોજેક્ટના કાન્ટ્રાક્ટરની બેદરકારીને લીધે તૂટી હતી. કારણ કે જમીનમાં બીછાવેલી પાઈનલાઈનના નકશા કોન્ટ્રાક્ટરને આપવામાં આવેલા છે. જ્યારે ખોદકામ કરવામાં આવે ત્યારે જમીનમાં પાણીની પાઈપલાઈન બિછાવેલી તો નથી.ને તેની તપાસ કર્યા બાદ કામ કરવું જોઈએ. આથી કોન્ટ્રાક્ટરને 50 લાખની પેનલ્ટી ફટકારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શહેરમાં પડેલાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા, જેના કારણે નાગરિકો હેરાન-પરેશાન થયા હતા. વરસાદમાં પાણી ભરાય છે ત્યારે અધિકારીઓને કર્મચારીઓને તાત્કાલિક ફિલ્ડમાં ઉતારવાના આદેશો મ્યુનિસિપલ કમિશનર દ્વારા આપવામાં આવ્યા હતા. જોકે, તાજેતરમાં પડેલા ભારે વરસાદ દરમિયાન ક્યાંય પણ રોડ ઉપર પાણી ભરાયા ત્યારે એકપણ કર્મચારી કે અધિકારી ફિલ્ડ ઉપર પહોંચ્યા નહોતા. વરસાદ બંધ થયો ત્યારબાદ પાણી ઉતરી ગયા પછી રોડ ઉપર નીકળ્યા હતા. કમિટીમાં ફરિયાદ કરવામાં આવી હતી કે, ચાલુ વરસાદ દરમિયાન કોઈપણ અધિકારીઓ કર્મચારીઓ ફિલ્મમાં જ દેખાતા નથી, જેથી હવે કોર્પોરેશનના એપ્રન પહરેલા કર્મચારીઓ તાત્કાલિક ફિલ્ડમાં ઉતરે તેમ તાકીદ કરવામાં આવી હતી.