Site icon Revoi.in

પાટણના નાગરિકોને કેનાલ દ્વારા અપાતું પીવાનું પાણી લોકો જ દૂષિત કરી રહ્યા છે

Social Share

પાટણઃ લોકોને પીવા માટેનું શુદ્ધ પાણી મળી રહે તે જરૂરી છે. પરંતુ ઘણીવાર લોકો દ્વારા જ પીવાના પાણીને દુષિત કરવામાં આવતું હોય છે. ઉનાળાની ગરમીને લીધે પાણીના વિતરણમાં વધારાની માગ થઈ રહી છે. પાટણ શહેરને સિદ્ધિ સરોવરથી કેનાલ દ્વારા પાણી મેળવીને સમ્પમાં એકત્ર કરીને પીવા માટે પાણીનું વિતરણ કરવામાં આવે છે. એટલે જે કેનાલમાં પાણી વહેતું કરવામાં આવે છે, જેમાં લોકો ગરમીથી છૂટકારો મેળવવા નહાવા માટે પડે છે. ઉપરાંત કેનાલના કાંઠે પશુઓને નવડાવવામાં આવે છે. જે પાણી પાછુ કેનાલમાં જાય છે. તેમજ કેનાલ જે વિસ્તારમાંથી પસાર થાય છે. ત્યાં કેનાલના કાંઠે મહિલાઓ કપડાં ધોતી નજરે પડે છે. આમ લોકોને જે પાણી પીવા માટે છે. તેને જ દૂષિત કરી રહ્યા છે.

પાટણ જિલ્લાના સિદ્ધપુર શહેરમાં તાજેતરમાં પાણીની પાઇપ લાઇનમાંથી મળેલા માનવ અવશેષોને લઈને દરેક નગરપાલિકા તંત્ર સજાગ બન્યું છે અને દરેક પાણીના ટાંકા સુરક્ષિત બનાવવાની સાથે સાથે તેની તકેદારીના આદેશો કરવામાં આવ્યા છે ત્યારે પાટણ નગરપાલિકા તંત્ર ની ઉદાસીનતા સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. પાટણ શહેરને પાણીની સુવિધા પૂરું પાડતી કેનાલો ઉપર પાલિકા તંત્રની વોચ ન રહેતા આ કેનાલોનો ઉનાળામાં બપોરના સમારે ગરમીથી બચવા કેટલાક નવયુવાનો ધુબાકા મારી રહ્યા છે તો કેટલાક પશુ પ્રેમીઓ પોતાના પશુઓને કેનાલ પર લાવીને નવરાવતા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળતા હોય છે. ધણીવાર કેનાલ કાંઠે કેટલીક મહિલાઓ કપડા ધોઈ રહેલી જોવા મળે છે. જે પાણી આખું પાટણ નગર પીવા માટે ઉપયોગ કરતું હોય તે સિધ્ધી સરોવર પણ અવાર નવાર જીવનથી નાસીપાસ થયેલા લોકો મોતની છલાંગ લગાવી પોતાની જીવન લીલા સંકેલતા હોવાના બનાવો પણ બનતા હોય છે છતાં પાલિકા ના વોટર વર્કસ શાખા ના ચેરમેન સહિત સતાધીશો દ્રારા આવી પ્રવૃતિ અટકાવવા માટે કોઈ નકકર કામગીરી કરતાં ન હોય જેના કારણે શહેરીજનો ના આરોગ્ય સામે પણ અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.

પાટણ શહેરમાં નગરપાલિકા દ્વારા શહેરીજનોને શુદ્ધ પાણી મળી રહે અને શહેરની કેનાલો તેમજ સિધ્ધી સરોવર ઉપર સુરક્ષા વધારવા કાયમી સિકયુરીટી ની વ્યવસ્થા ઉપલબ્ધ બનાવે તેવી માગ પ્રબળ બની છે.