Site icon Revoi.in

દેશ પર કોરોનાનું સંકટ, પણ મોટાભાગના શહેરોના બજારોમાં પતંગ-દોરી માટે ભીડ

Social Share

ભાવનગર: દેશમાં કોરોનાવાયરસના કેસ બુલેટ ટ્રેનની ગતિએ વધી રહ્યા છે. લોકોને સતર્ક રહેવાનું સરકાર દ્વારા કહેવામાં આવી રહ્યું છે ત્યારે ઉતરાયણની તૈયારી માટે પણ લોકોની ભીડ બજારમાં મોટા પ્રમાણમાં જોવા મળી છે. જાણકારી અનુસાર પતંગ પર્વ પૂર્વેના અંતિમ રવિવારે પતંગ રસીકો દ્વારા મકરસંક્રાંતિની તૈયારીઓનો માહોલ બરાબર જોવા મળ્યો હતો. શહેરમાં ઠેરઠેર પતંગ રીલ સાથે સંક્રાંતિ પર્વની વિવિધ વસ્તુઓની ખરીદી સાથોસાથ રીલ-દોરાને માંઝો ચડાવવા ભારે ગીર્દી જમાવી હતી.

ભાવનગર શહેરની મુખ્ય બજારોથી લઈને અનેક સ્થળોએ ઉમટી પડેલી ભીડને જોતાં હાલમાં મહામારીની ત્રીજી લહેરનું ક્યાંય અસ્તિત્વ જ ન હોય એવાં દ્રશ્યો ખડાં થયા હતા.લોકો કોરોનાને નઝર અંદાજ કરી મકરસંક્રાંતિ પૂર્વેના અંતિમ રવિવારે શહેરમાં મન મૂકીને ખર્ચ ખરીદીઓ કરી હતી.શહેરમાં આવેલી મેઈન બજાર થી લઈને જવાહર મેદાન સહિતના સ્થળોએ પતંગ-ફીરકીઓ રીલ તથા દોરા પર માંઝો ચડાવવા સિવાય બીજી કોઈ વાત જણાતી ન હતી.

લોકો મકરસંક્રાંતિ ઉજવવા થનગની રહ્યાં હોય તેમ માસ્ક, સોશિયલ ડીસ્ટન્સ સહિતની ગાઈડલાઈનોની ઐસી કી તૈસી કરી બેફીકર બની ફરતાં ખરીદી કરતાં નઝરે ચડ્યાં હતાં શહેરના બોરતળાવ રોડ જવાહર મેદાનમા સહિત અનેક સ્થળોએ રીલ-દોરા પર માંઝો ચડાવવા પતંગ રસીયાઓએ ભીડ જમાવી કલાકો સુધી રાહ જોઈ હતી

બીજી તરફ કોરોના મહામારીની ત્રીજી લહેરને પગલે શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરવામાં આવ્યું હોય અને રવિવાર હોય આથી શહેરના કેટલાક વિસ્તારોમાં બાળકો યુવાનો સવારથી જ અગાશીઓ પર મ્યૂઝિક સિસ્ટમ પતંગ-ફિરકી સાથે પહોંચી ગયા હતા અને રવિવારની રજામાં પતંગપર્વની આખો દિવસ પ્રેક્ટિસ કરી હતી જયારે બજારમાં તલ,શિંગ દાળીયા મમરા ને ગોળ સાથે મિક્સ કરી બનાવવામાં આવતી ચિકી કેસ સનગ્લાસ હેટ સહિતની વસ્તુઓ ખરીદવા લોકો એ પડાપડી કરી હતી.આમ આ માહોલ જોતાં લોકો ઉત્સવની ઉજવણી પૂર્વેની તૈયારીઓમાં ભાન ભુલ્યા હોય એવું સ્પષ્ટ પણે વર્તાઈ રહ્યું હતું.