Site icon Revoi.in

સૌરાષ્ટ્રમાં બુધવારે સવારથી વરસાદે વિરામ લેતા લોકોએ રાહત અનુભવી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા ત્રણેક દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને વરસાદ ધમરોળી રહ્યો છે. રાજ્યમાં આજે સવારે 6 વાગ્યાથી બાર વાગ્યા સુધીમાં 42 તાલુકામાં વરસાદ થયો છે. આજે સુરતના ઓલપાડમાં ચાર ઈંચ, અને કામરેજમાં બે ઈંચ વરસાદ પડ્યો હતો. જોકે સૌરાષ્ટ્રમાં આજે બુધવારથી જ વરસાદે વિરામ લેતા લોકોએ રાહત અનુભવી હતી. જ્યારે બુધવારે સવારે 6 વાગ્યે પુરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 197 તાલુકામાં મેઘમહેર થઈ છે, જેમાં જૂનાગઢ, સુરત, રાજકોટ અને જામનગર જિલ્લામાં સૌથી વધુ વરસાદ થયો છે. ધોધમાર વરસાદને કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અનેક નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ડિપ્રેશનની અસરને કારણે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જામનગર, પોરબંદર, વલસાડ, દ્વારકા, ગીર, સોમનાથ, દમણ, દાદરા નગર-હવેલી, અમરેલીમાં ભારે વરસાદની શક્યતાઓ છે. આગામી 3 દિવસ રાજકોટ, જૂનાગઢ, જામનગરમાં વરસાદનું સંકટ યથાવત રહેવાની શક્યતા છે.

રાજ્યમાં આગામી દિવસોમાં હવામાનની આગાહી જોતાં ત્રણ દિવસ જૂનાગઢ, રાજકોટ, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. રાજ્યમાં વરસાદને કારણે એક નેશનલ હાઈવે, અને 20 સ્ટેટ હાઈવે સહિત 214 રસ્તા બંધ કરાયા હતા. હવે રોડ-રસ્તાઓ પર ભરાયેલા પાણી ઉતરતા રોડ રસ્તાઓ વાહન વ્યવહાર માટે ખોલવામાં આવી રહ્યા છે. એસટી બસોના 55 રૂટ બંધ કરાયા હતા, 121 ટ્રિપ રદ કરાઈ હતી. દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર,ગિર-સોમનાથ, અમરેલી, ભાવનગર, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા,ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારીમાં ભારે વરસાદ થશે એવી આગાહી છે. 17 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર સુઘી ઉત્તર ગુજરાત તથા મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકામાં અતિભારે વરસાદ થઈ શકે છે. આગામી 16 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર સુધી કચ્છ જિલ્લામાં ભારે વરસાદની શક્યતાઓ છે. સરદાર સરોવર જળાશયમાં હાલ 1,76, 558 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહશક્તિના 52.85 ટકા છે. સિંચાઇ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે રાજ્યનાં 206 જળાશયોમાં 3,98 753 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહશક્તિના 71.53 ટકા છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ-65 જળાશય, એલર્ટ ૫ર કુલ- 05 જળાશય તેમજ વોર્નિંગ ૫ર-13 જળાશય છે.